VIDEO: મિઠાઈ ખાતા થઇ જાઓ સાવધાન!, મહેસાણામાં નકલી માવાનો કાળો બજાર

મિઠાઈનાં શોખીનો માટે ચેતવતોરૂપ ઉત્તર ગુજરાતનો એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રહેમનજર હેઠળ નકલી માવાનો કાળો બજાર ભારે ધમધમી રહ્યો છે. મોટાભાગનાં વેપારીઓ નકલી માવો બનાવવા માટે સસ્તા ભાવનું પામોલીન તેલનો ઉપયોગ કરે છે. સોજી, વનસ્પતિ ઘી અને અન્ય પદાર્થ ઉમેરીને માવો તૈયાર કરાય છે.

પામોલીન કર્નલમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોવાંથી મીઠાઈ આરોગવી સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે. ગુજરાતનાં ડીસા, પાલનપુર, કડી, મહેસાણા ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં શહેરોમાંથી મિઠાઈ તૈયાર કરતાં વેપારીઓને ત્યાં ઠલવાતું સસ્તા ભાવનું પામોલીન તેલ માવામાં વપરાય છે.

વેપારીઓ નકલી માવો પકડાય નહીં તે માટે વિશ્વાસુ વ્યકિત દ્વારા જે તે વિસ્તારનાં વેપારીનાં ઓર્ડર મુજબ સપ્લાય કરે છે. 30થી 50 કિલોનો નકલી માવાનો જથ્થો સાઈકલ ઉપર સપ્લાય કરાય છે. જેથી કોઇને શક જતો નથી.

નકલી માવાની મિઠાઈ ખાવાથી હોજરીમાં સોજો, પેટમાં દુઃખાવો, ઝાડા ઉલ્ટી તેમજ સિન્થેટિક કલરની માત્રા વધુ હોવાંથી ચામડી પર લાલ ચકમા પડી જાય છે અને કિડની પર પણ તેની ભારે અસર થાય છે. જો કે આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે કોઇ પગલાં લેવામાં આવતા નથી.

નકલી મોળો માવો બનાવવા માટે માવાને ઉકાળીને તેમાંથી છુટતું ઘી કાઢીને માવાનું વજન વધારવા માટે પામોલીન તેલ, પામોલીન કર્નલ અને વનસ્પતિ ઘીનો ઉપયોગ કરાતો હોવાનો ખુદ માવો બનાવતા વેપારીઓએ સ્વીકાર કર્યો છે. માવો બનાવવા પામોલીન કર્નલ અને વનસ્પતિ ઘીની સાથે માવામાં ૩૦થી ૪૦ ટકા ખાંડ ભેળવીને તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૂકવાથી માવાનું વજન બમણું થઈ જાય છે.

તો માવો બનાવવા માટે દૂધને બદલે ૩૦થી ૪૦ ટકા જેટલો પાવડર વપરાય છે. આ પાવડર પણ હલ્કી ગુણવત્તાવાળો હોય છે. પાવડરથી તૈયાર થયેલા માવામાં પામ તેલ અને વનસ્પતિ ઘી ઉમેરવામાં આવતાં માવામાં કણી પડી જાય છે. જેથી આ માવો અસલ દૂધનાં માવા જેવો જ દેખાય છે. જો કે, આ હકીકતથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ અજાણ છે તેવું નથી.

પરંતુ આ ભેળસેળ બાબતે આંખ આડા કાન થઇ રહ્યાં છે તો બીજી તરફ આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીઓ કંઇ કહેવા પણ તૈયાર નથી. ભૂતકાળમાં પણ અગાઉ નકલી માવો વેચવાનાં અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે અને આવા વેપારીઓને કોર્ટે સજા પણ ફટકારી છે. તેમ છતાં નકલી માવાનો કારોબાર આજે પણ ધમધમી રહ્યો છે તે એક હકીકત છે.

You might also like