MBA કર્યા બાદ માત્ર સાત ટકા વિદ્યાર્થીઓ નોકરી મેળવવા લાયક

મુંબઈ: મોટી રકમની ફી વસૂલતી એમબીએની કોલેજો દેશભરમાં ‌િબલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે. લાખો વિદ્યાર્થીઓ એમબીએની ડિગ્રી લઈને દર વર્ષે બહાર નીકળે છે, પરંતુ એસોચેમના તાજેતરમાં આવેલા રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એસોચેમની એજ્યુકેશન કમિટી દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેક્ષણ રિપોર્ટ મુજબ દેશભરમાં ચાલી રહેલ ૫૫૦૦ બિઝનેસ સ્કૂલોમાંથી સરકારી દ્વારા સંચાલિત ભારતીય મેનેજમેન્ટ સંસ્થા તથા કેટલીક આંગળીના વેઢે ગણાવી શકાય તેવી સંસ્થા સિવાય બાકીની તમામ સંસ્થાઓમાંથી એમબીએની ડિગ્રી લઈને નીકળતા વિદ્યાર્થી નોકરી મેળવવા લાયક નથી. એમબીએના ડિગ્રી ધારકને રૂ.૧૦ હજારના પગારે નોકરી પર રાખી રહ્યા છે.

એસોચેમે બિઝનેસ સ્કૂલોના શૈક્ષણિક સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આઈઆઈએમ જેવી સંસ્થાઓને છોડી દેવામાં આવે તો બાકીની સંસ્થાઓમાંથી એમબીએની ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓમાંથી માત્ર સાત ટકા વિદ્યાર્થીઓ જ રોજગારી મેળવવા યોગ્યતા પ્રાપ્ત છે.

સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ સહિત દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, દહેરાદૂન, લખનૌમાં એક અંદાજ મુજબ ૨૨૦ બિઝનેસ સ્કૂલ બંધ થઈ ચૂકી છે એટલું જ નહીં ૧૨૦ સંસ્થાઓ એવી છે કે જે બંધ થવાની તૈયારીમાં છે. બિઝનેસ કોલેજોમાં ઊતરતી કક્ષાના શૈક્ષણિક સ્તર તથા આર્થિક મંદીના કારણે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ની વચ્ચે કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પણ ૪૦થી ૪૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

You might also like