ATMની લાઇનમાં માનવતાનું મોત : યુવકનું લાઇનમાં હાર્ટ એટેકથી મોત

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં શનિવારે પૈસા ઉપાડવા માટે એક એટીએમની બહાર લાઇનમાં ઉભેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પોલીસે કહ્યું કે હુગલી જિલ્લાના બાંદેલ રેલ્વે સ્ટેશનની નજીક ભારતીય સ્ટેટ બેંકના એક એટીએમની બહાર કેલોલ રોય ચૌધરી લાઇનમાં ઉભા હતા. અચાનક તેઓ બેહોશ થઇ ગયા હતા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓની વાત પરથી સામે આવ્યું કે એટીએમની લાઇનમાં ઉભેલા કેલોલ રોય જ્યારે બેભાન થઇને ઢળી પડ્યા ત્યારે કોઇએ તેમને સંભાળવાનો પ્રયાસ નહોતો કર્યો. કેલોલ તે જ સ્થળ પર લગભગ અડધા કલાક સુધી પડી રહ્યા હતા. લાઇનમાથી નંબર ન જતો રહે તેના કારણે કોઇએ તેની સારવારની દરકાર નહોતી કરી. જો તેને યોગ્ય સમયે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોત તો તેનો જીવ કદાચ બચી ચુક્યો હોત.

બીજી તરફ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકના પરિવારને સંવેદના વ્યક્ત કરી હતી. મમતાએ ટ્વિટ કર્યુ કે, દુર્ભાગ્યવશ લોકોના મોતનો સિલસિલો ચાલી રહ્યો છે, બાંદેલ સ્ટેશનની બહાર એસબીઆઇના એટીએમ સામે આજે સવારે કાલોલ રોય ચોધરી અચાનક પડી ગયા અને તેમનું મોત નિપજ્યું હતું. મારી સંવેદનાઓ શોકસંતપ્ત પરિવારની સાથે છે. શું મોદી બાબુ સાંભળી રહ્યા છે.

You might also like