બાઈક પર પુરઝડપે જતા મામા-ભાણેજને અકસ્માતઃ મામાનું હોસ્પિટલમાં મોત

અમદાવાદ: ઝડપની મજા મોતની સજા સાબિત થઇ છે કાલુપુરમાં રહેતા મામા ભાણેજ સાથે.ગઇ કાલે વહેલી પરોઢે ચાર વાગ્યાની આસપાસ કાલુપુર રેલેવે સ્ટેશનથી રિલીફ રોડના સુમસામ રોડ પર ધુમસ્ટાઇલથી પુરઝડપે બાઇક ચલાવીને આવી રહેલા મામા-ભાણેજ ડિવાઇડર સાથે અથડાયા બાદ ઇલેક્ટ્રિક ડીપીમાં ધૂસી ગયા હતા જ્યાં મામાનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દોશીવાડાની પોળમાં રહેતો સલમાન ઇસ્માઇલભાઇ અરબ તેના ભાણેજ સફિન સાથે કાલુપુર રેલવે સ્ટેશનથી રિલીફ રોડ તરફ બાઇક લઇને પુરઝડપે આવી રહ્યો હતો તે સમયે સ્વામિનારાણય સર્કલ પર આવેલા ટર્નિંગના કારણે સલમાનનું બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું.

બાઇક અથડાતાંની સાથે જ બન્ને જણા ઇલેક્ટ્રિક ડીપીમાં ધૂસી ગયા હતા જ્યારે બાઇક રોડ પર ધસડાયું હતું. આ ઘટનામાં બન્ને જણાને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન સલમાનનું મોત થયું હતું.

You might also like