મકર સંક્રાંતિઃ સૂર્ય ઉપાસનાનું અનુપમ પર્વ, દાનનો પણ અનોખો મહિમા

મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પૂરાં કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે. મકર સંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય, પરિવર્તનનો, જૂનું તજી અને નવું અપનાવવાનો સમય છે.

ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

ભારતનાં અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાંતિનાં પછીના દિવસે પશુ પ્રાણીઓ,ખાસ તો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે, કારણકે આ દિવસ કુટુંબ પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.

ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતિ) ની સંધિ વડે બનેલ છે. ઉત્તરાયણ (મકર સંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.

આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી’ (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઊડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે.
રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળાં અંધારાં આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ‘ફાનસ'(કાગળનો દીવો) ઉડાડે છે જેને અમદાવાદમાં ‘ટુક્કલ’ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) ‘વાસી ઉત્તરાયણ’ તરીકે મનાવાય છે.
આમ સતત બે દિવસ આ તહેવારની ઉજવણી ચાલે છે. •

You might also like