ઉત્તરાયણ એક મંગલ પર્વઃ આખી પૃથ્વી પ્રકાશમય બને છે

0 8

મકર સંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખૂબ જ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગ(અલાહાબાદ), ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. માઘ મેળો કે મિની કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં અને ગંગા સાગર મેળો, કોલકાતા નજીક ગંગા નદી જ્યાં બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં યોજાય છે.

કેરળનાં શબરીમાલામાં મકર સંક્રાંતિ ઉજવાય છે, જ્યાં ‘મકર વિલક્કુ’ ઉત્સવ પછી ‘મકર જ્યોથી’ નાં દર્શન કરાય છે. પ્રાચીન કાળથી સૂર્ય ઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યો સૂર્ય તત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે. જયોતિષ શાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતાં પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. મહાભારતમાં કુરુ વંશનાં રક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણના દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણ મતલબ મકર સંક્રાંતિનું મહત્વ બતાવતાં ગીતામાં કહ્યું હતું કે ઉત્તરાયણના છ માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી એકદમ વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય છે ત્યારે પૃથ્વી અંધકારમય થાય છે અને આ અંધારાંમાં શરીરનો ત્યાગ કરીએ તો એ જીવને પુનર્જન્મ લેવો પડે છે.

મહાભારત અને ભાગવત પુરાણ મુજબ સૂર્યના ઉત્તરાયણ થવાના દિવસે જ પિતામહ ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. વિષ્ણુ ધર્મસૂત્ર મુજબ પિતૃઓની શાંતિ માટે અને સ્વાસ્થ્ય વર્ધનઅને કલ્યાણ માટે તલનો પ્રયોગ સ્નાન, દાન, ભોજન, જળ અર્પણ, આહુતિ અને તલના તેલથી માલિશ કરવાથી પાપ નાશ પામે છે. મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને અર્ધ્યનું વિશેષ મહત્વ હોય છે. તેથી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ જો આવું ન કરી શકો તો ઘરે જ આ વિશેષ ઉપાય કરો.

મકર સંક્રાંતિના વિશેષ ઉપાય…
આ દિવસે સ્નાન કરવાના જળમાં તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી એક તાંબાના કળશમાં શુદ્ધ પાણી ભરીને તેમા લાલ ચંદન, તલ, ચોખા અને લાલ ફૂલ નાખીને “ૐ ઘૃણિ આદિત્યાય નમ:” આ મંત્રનો જાપ કરતા સૂર્યનારાયણને અર્ધ્ય આપો. ત્યારબાદ નિમ્ન ૧૨ મંત્રનો જાપ કરતા સૂર્ય નારાયણને પ્રણામ કરો. આ દિવસે તલ અને ગોળથી બનેલ લાડુ, ખીચડી અને તાંબાના પાત્રનું દાન કરવુ જોઈએ.

પાપનો ક્ષય કરતાં સૂર્યનારાયણનાં બાર નામ
ૐ સૂર્યાય નમ:
ૐ ભાસ્કરાય નમ:
ૐ રવયૈ નમ:
ૐ મિત્રાય નમ:
ૐ ભાનવૈ નમ:
ૐ ખગાય નમ:
ૐ પુષ્ણૈ નમ:
ૐ મારિચાયૈ નમ:
ૐ આદિત્યાય નમ:
ૐ સાવિત્રૈ નમ:
ૐ અર્કાય નમ:
ૐ હિરણ્યગર્ભાય નમ:

loading...

Leave A Reply

Your email address will not be published.