BCCI પોતાના વલણ પર અડગ

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ લોઢા કમિટીની સુધારા સંબંધિત કેટલીક ભલામણોનો પોતાનો વિરોધ ગઈ કાલે યોજાયેલી બેઠકમાં પણ ચાલુ રાખ્યો હતો. આ મામલા પર પાંચ ડિસેમ્બરે આવનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી બીસીસીઆઇએ રાહ જોવાનું નક્કી કર્યું છે. બીસીસીઆઇએ પોતાની ખાસ સામાન્ય સભા (એજીએમ)માં ભલામણો પર કોઈ નિર્ણય ના લીધો, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સંઘને સુપ્રીમ કોર્ટ તરફથી અનુકૂળ નિર્ણય ન આવવાની સ્થિતિમાં ‘પ્લાન-બી’ તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. લોઢા કમિટીએ ભૂતપૂર્વ ગૃહસચિવ જી. કે. પિલ્લઈને કાર્યવાહક અધ્યક્ષ નિયુક્ત કરવા અને બીસીસીઆઇના પદાધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાનો આગ્રહ રાખ્યો છે.

રાજ્ય સંઘના એક અધિકારીએ જણાવ્યું, ”વરિષ્ઠ અધિકારીઓને કહ્યું છે કે અમે પાંચ ડિસેમ્બર સુધી રાહ જોઈશું. હાલ કોઈ પણ નિર્ણય કોર્ટનું અવમાનના બની શકે છે. રાજ્ય સંઘે પ્લાન-બી તૈયાર રાખવો પડશે. જો કોર્ટ ચુકાદો આપશે તો અમારે તેને માનવો પડશે અને તે અનુસાર બંધારણમાં ફેરફાર કરવો પડશે.”

ગઈ કાલે યોજાયેલી એજીએમમાં સભ્યોએ જે સ્થિતિ છે તે જાળવી રાખી છે. લોઢા કમિટીની ભલામણોને અક્ષરશઃ લાગુ કરવાનો નિર્ણય કરનારા બે રાજ્ય સંઘ ત્રિપુરા અને વિદર્ભ બેઠકમાં ઉપસ્થિત રહ્યા નહોતા. આ અંગે જ્યારે બીસીસીઆઇના સચિવ અજય શિર્કેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું, ”ઝાકળને કારણે વિમાન ઉડાણને મોડું થવાને કારણે આવું બન્યું છે. એવું લાગી રહ્યું છે કે સભ્યો વચ્ચે મતભેદ છે. વિદર્ભ અને ત્રિપુરાના સભ્ય ઝાકળને કારણે સમયસર આવી શક્યા નહીં. અમે સ્થિતિને ફરીથી તેમની સામે સ્પષ્ટ કરી દીધી છે. તેઓ પોતાના વલણ અંગે અડગ છે, જે ગત તા. ૧ ઓક્ટોબરે પહેલી એજીએમમાં લેવામાં આવ્યું હતું. કેટલીક ભલામણોને બાદ કરતા બાકી બધી જ ભલામણો પર સંમતિ સધાઈ ચૂકી છે. અમે આગામી તા. ૫ ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટના આવનારા ચુકાદાની રાહ જોઈશું.”
http://sambhaavnews.com/

You might also like