Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

ત્રણ મહિલાઓએ સોનાના દોરા ગુમાવ્યા
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપના ત્રણ બનાવ બન્યા હતા. નારણપુરામાં સોલા રોડ પર અાવેલ ચાંદની એપાર્ટમેન્ટમાં રહેતી અલકાબહેન જીતેન્દ્રભાઈ સોની નામની મહિલા શાહીબાગ અંડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ગઠિયા રૂ. ૩૫ હજારનું મંગળસૂત્ર તોડી ફરાર થઈ ગયા હતા. ચાંદખેડામાં ગોપાલ રે‌િસડેન્સી ખાતે રહેતી રશ્મિબહેન રવીન્દ્રભાઈ ગુપ્તા પોતાના ઘર નજીકથી જ સ્કૂટર પર પસાર થઈ રહી હતી ત્યારે તેના ગળામાંથી રૂ. ૨૦ હજારની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી. અા ઉપરાંત વટવામાં સૈયદવાડી બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલ નૂરજહાં બીબી નામની યુવતીના ગળામાંથી પણ સોનાના દોરાની ચીલઝડપ થઈ હોવાનું જાણવા મળે છે.

અડાલજ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદ: ગાંધીનગર-અડાલજ રોડ પર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રકને ઝડપી લઈ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી એક શખસની ધરપકડ કરી હતી.  ગાંધીનગર નજીકના કુડાસણ ગામેથી ટ્રકમાં ભરી વિદેશી દારૂનો જથ્થો દસક્રોઈ તરફ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસે વહેલી સવારે અડાલજ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એક ટ્રક શકમંદ હાલમાં પસાર થતાં પોલીસે તેનો પીછો કરી ટ્રકને ઝડપી લઈ ઝડતી કરતાં તેમાંથી અાશરે રૂ. બે લાખની કિંમતની ૮૧૪ વિદેશી દારૂની બોટલ મળી અાવી હતી. પોલીસે ટ્રકચાલક ભરત ગાભાજી ઠાકોરની ધરપકડ કરી વિદેશી દારૂ અને ટ્રક સહિત અાશરે રૂ. ચાર લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બે યુવાનોએ નદીમાં ઝંપલાવ્યુંઃ મહિલાએ ગળાફાંસો ખાધો
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અાત્મહત્યાના ત્રણ બનાવ બનવા પામ્યા છે, જેમાં બે યુવાનોએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી નાખ્યું હતું જ્યારે એક મહિલાએ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. સરખેજ ગામમાં જામા મસ્જિદ પાસે સિપાઈવાસમાં રહેતા મોહસીન ગુલબહાદુર પઠાણ નામના એક યુવાને અગમ્ય કારણસર નહેરુબ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી. જ્યારે શાહીબાગમાં ગિરધરનગરબ્રિજ પાસે અાવેલી મારુભાઈની ચાલીમાં રહેતા સુરેશ ભુદરભાઈ સોલંકી નામના ૩૧ વર્ષના યુવાને પણ સુભાષબ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવી નાખ્યું હતું.  અા ઉપરાંત મેઘાણીનગરમાં રામેશ્વર રોડ પર અાવેલી કુંભાજીની ચાલીમાં રહેતી રમાબહેન ગિરીશભાઈ ચૌહાણ નામની ૩૮ વર્ષની મહિલાએ રાત્રીના સુમારે પોતાના ઘરમાં જ એન્ગલ સાથે દોરડુ બાંધી ગળાફાંસા ખાઈ અાપઘાત કર્યો હતો. અાપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

નવા વાડજમાં ઘરેણાં સહિત રૂ. ૧.૧૧ લાખની મતાની ચોરી
અમદાવાદ: નવા વાડજ વિસ્તારમાં તસ્કરોએ એક મકાનનાં તાળાં તોડી ઘરેણાં સહિત રૂ. ૧.૧૧ લાખની માલ મતાની ચોરી થઈ હતી. નવા વાડજમાં અખબારનગર સર્કલ નજીક તિરુપતિ હોસ્પિટલની બાજુમાં અાવેલ બેચર ભવન નામના એક મકાનમાં વહેલી સવારે તસ્કરો ઘૂસી તાળા તોડી સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા, મોબાઈલ ફોન, રોકડ રકમ મળી રૂ. ૧.૧૧ લાખની મતાની ચોરી કરી હતી.

You might also like