ઈન્ડિયન આર્મીના કન્ટેનરના નામે નાસિકથી દારૂ ભૂજ આવતો હતો

0 37

અમદાવાદ, ગુરુવાર
ઈન્ડિયન આર્મીના નામે બોગસ ઓર્ડર બનાવી કન્ટેનરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કરી બારડોલીના બલેશ્વર નજીકથી રૂ.પ૭ લાખનો વિદેશી દારૂ ભરેલ હરિયાણા પાસિંગના કન્ટેનરને ઝડપી લઇ સઘન તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વિદેશી દારૂની હેરાફેરી રોકવાના હેતુથી સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત-બારડોલી રોડ પર બલેશ્વર અને પલસાણા નજીક નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું હતું.

દરમિયાનમાં હરિયાણાથી આવી રહેલા એક કન્ટેનરને રોકી પોલીસે ચાલકની પૂછપરછ કરતાં ચાલકે ઈન્ડિયન આર્મીના નામની બોગસ બિલ્ટી બતાવી હતી અને કન્ટેનરમાં ભરેલો માલ નાસિક કેન્ટોન્મેન્ટથી ભર્યો હોવાનું અને ભૂજ કેન્ટોન્મેન્ટમાં પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે કન્ટેનરને જવા દીધું હતું, પરંતુ પોલીસને આપેલી બિલ્ટી અંગે ખરાઇ કરતાં ભાંડો ફૂટયો હતો.

કન્ટેનરમાં કોઇ વાંધાજનક ચીજવસ્તુ હોવાની શંકાથી પોલીસે કન્ટેનરનો પીછો કરી પલસાણા અને બલેશ્વર રોડ પર કન્ટેનરને અટકાવી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ ભરેલી સંખ્યાબંધ પેટી મળી આવી હતી.પોલીસે રૂ.પ૭ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કન્ટેનરના ચાલકની ધરપકડ કરી હતી જ્યારે કલીનર રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી છૂટયો હતો.

મળતી માહિતી પ્રમાણે વિદેશી દારૂની હેરાફેરી કરનારાઓએ નાસિકથી ભૂજ પહોંચાડવા માટે આર્મીની ગ્રોસરી અને ક્રોકરીનો સામાન હોવાની બિલ્ટી બનાવી હતી અને આર્મીના એક ઉચ્ચ અધિકારીનો લેટર પણ રજૂ કર્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લઇ જવામાં આવી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

loading...

Leave A Reply

Your email address will not be published.