AMTSની પહેલી પાળીમાં ૨૦૦ બસ રોડ પર ઓછી ઉતારાઈ

અમદાવાદ: પાટીદાર આંદોલનના પરિણામે ગઈ કાલે તોફાની તત્ત્વોએ એએમટીએસની પાંચ બસમાં તોડફોડ કરી હતી. ઉપરાંત આજે ગુજરાત બંધનું એલાન અપાયું છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને આજે એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા પહેલી પાળીમાં રોજિંદી ૮૬૫ બસને બદલે ૨૦૦ બસ ઓછી મુકાઈ હતી. ગઈ કાલે બપોર બાદ શહેરના કે.કે. નગર વિસ્તારમાં બે, રાણીપમાં બે અને વસ્ત્રાલમાં એક મળી કુલ પાંચ બસના કાચ તોફાની તત્ત્વો દ્વારા ફોડી નખાયા હતા. આજના ગુજરાત બંધના એલાનના પગલે તંત્ર દ્વારા અગમચેતીનાં પગલાંરૂપે પહેલી પાળીમાં ૬૬૫ બસ રોડ પર મુકાઈ હતી.

એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે કહે છે, “સામાન્ય દિવસોમાં સવારની પહેલી પાળીમાં તંત્ર દ્વારા રોડ પર ૮૬૫ બસ દોડાવાય છે, પરંતુ આજે ગુજરાત બંધનું એલાન અપાયું હોઈ સવારની પાળીમાં કુલ ૬૬૫ બસ રોડ પર મુકાઈ હતી. અત્યાર સુધીમાં શહેરમાંથી બસના ટાયરની હવા કાઢી નાખવી કે કાચ તોડી નાખવા કે અન્ય પ્રકારની તોડફોડ જેવી કોઈ અજુગ‌િત ઘટનાના સમાચાર મળ્યા નથી. હાલમાં સ્થિતિ શાંત હોઈ બપોરના બાર વાગ્યા સુધીમાં સઘળી ૮૬૫ બસ રોડ પર મૂકવામાં આવે. એએમટીએસ માટે આવક કરતાં ઉતારુઓની સુવિધા વધુ મહત્ત્વપૂર્ણ હોઈ તમામ અધિકારીઓ જે તે ડેપો ખાતે ફરજ બજાવી રહ્યા છે. હું પણ સ્થિતિનો રૂબરૂ તાગ મેળવવા ટર્મિનસની મુલાકાત લઈ રહ્યો છું.” દરમિયાન બીઆરટીએસના સત્તાવાળાઓએ પણ તોફાનની આશંકાને પગલે દરરોજ રોડ પર મુકાતી કુલ ૨૩૦ બસના બદલે આજે સવારની પાળીમાં કુલ ૧૧૦ બસ જ મૂકી હતી. જોકે બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદી કહે છે, “સવારની પાળીમાં ૧૨૦ બસ ઓછી મુકાઈ છે, પરંતુ સ્થિતિ અનુસાર બસની સંખ્યા વધારીને ૧૪૦ કરાશે. બીઆરટીએસના તમામ ૧૩ રૂટ પર બસ દોડાવાઈ રહી છે. એક પણ રૂટને બંધ કરાયો નથી.”

AMTSની ૨૫ રૂટની ૧૫૦ બસમાં ડાઈવર્ઝન અપાયું
એએમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર્જવ શાહ કહે છે, “આજે સવારે એએમટીએસના કુલ ૧૩૧ રૂટ પૈકી ૨૫ રૂટની ૧૫૦ બસમાં ડાઈવર્ઝન અપાયું છે. સવારના નવ વાગ્યે ૭૭૦ બસ દોડતી કરાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા કંડકટરોની ઓછી હાજરીથી થોડીક સમસ્યા છે, જોકે પહેલી પાળીના સ્ટાફને બીજી પાળીમાં ચાલુ રખાવીને પણ બપોરના બે વાગ્યાથી વધુ ને વધુ બસ દોડતી કરવાની દિશામાં આયોજન કરાશે.”
નિકોલ, વસ્ત્રાલ, ઘાટલોડિયા, સતાધાર અને રાણીપમાં બસ ડાઈવર્ટ કરાઈ તેમ પણ આર્જવ શાહ કહે છે.

બીઆરટીએસમાં બીજી પાળીમાં પણ ઓછી બસ મુકાશે
ગુજરાત બંધના એલાનના પગલે ટ્રાફિક ઓછો હોઈ બપોરની બીજી પાળીમાં પણ બીઆરટીએસના સત્તાવાળાઓ વધુ બસ મૂકવાના મૂડમાં નથી. તંત્ર કહે છે, બીજી પાળીમાં સ્થિતિનો તાગ મેળવીને નિર્ણય લેવાશે. સવારના ૯.૦૦ વાગ્યા સુધીમાં ૧૪૦ બસ દોડતી કરાઈ હોઈ દિવસભર આ સંખ્યામાં વધુ ફરક પડે તેવી શક્યતા નથી, જોકે બંધના કારણે આવકમાં ખાસ્સો ઘટાડો થશે.

ગઈ કાલની તોડફોડથી એએમટીએસને પાંચ લાખનું નુકસાન
ગઈ કાલે જે પ્રકારે તોફાની તત્ત્વોએ ઉપદ્રવ મચાવીને પાંચ બસ બસમાં તોડફોડ કરી તેની નુકસાનીનો પ્રાથમિક અંદાજ આશરે પાંચ લાખનો નીકળ્યો છે તેમ પણ એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે કહે છે.

You might also like