હેમામાલિનીની કોલોનીમાં દીપડો દેખાતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા

0 5

મુંબઈ, શનિવાર
ડ્રીમગર્લ હેમામાલિનીનો બંગલાે ધરાવતી ગોરેગાંવ (ઈસ્ટ)ની ગોકુલધામ કોલોનીમાં વહેલી સવારે દીપડો લટાર મારતો જોવા મળતાં કોલોનીના રહેવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા, જોકે સદ્નસીબે દીપડાએ કોઈને ઈજા પહોંચાડી ન હતી.

હેમામાલિનીની કોલોનીમાં બનેલી આ ઘટનાના કારણે વન વિભાગના અધિકારીઓના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. કોલોનીમાં ઘૂસી આવેલા દીપડાને જોતાં વોચમેન તેની પાછળ દોડ્યો હતો. સીસીટીવીના વીડિયો ફૂટેજમાં પણ કોલોનીમાં ઘૂસી આવેલો દીપડો સ્પષ્ટ દેખાય છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દીપડાનો પીછો કરવાથી કે તેને પકડવાનો પ્રયાસ કરતાં તે ઉશ્કેરાઈને હુમલો કરી શકે છે. આ ઘટનાના પગલે મુંબઈના રેન્જ ફોરેસ્ટ અધિકારી સંતોષ કાંકે તેમની ટીમને આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની તેમજ જો દીપડો દેખાય અથવા કોઈ કોલોનીમાં એકાએક ઘૂસી આવે ત્યારે શું કરવું તેનાં સૂચનો અને માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે હેમામાલિનીની કોલોનીમાં દીપડો ઘૂસી આવવાનો આ પ્રથમ બનાવ નથી. ૨૦૧૧માં હેમામાલિનીના બંગલામાં દીપડો ઘૂસી આવ્યો હતો અને તેના અહેવાલ સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા. આ વખતે વન વિભાગના અધિકારીઓ પહોંચે તે પહેલાં દીપડો નજીકના જંગલમાં નાસી ગયો હતો.

loading...

Leave A Reply

Your email address will not be published.