સૌથી મોટું ખેડૂત આંદોલનઃ મંદસૌરમાં દૂધ પુરવઠો રોક્યો, પંજાબમાં શાકભાજી રસ્તા પર ફેંકી દીધી

નવી દિલ્હીઃ દેશભરના ખેડૂતોએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ મોટો મોરચો ખોલી નાખ્યો છે. મોદીરાજમાં આજથી સૌથી મોટું ખેડૂત આંદોલન શરૂ થઈ ગયું છે. પંજાબ અને મધ્ય પ્રદેશ સહિત કેટલાંય રાજ્યમાં ખેડૂતોએ આંદોલન શરૂ કરી દીધું છે. ખેડૂત સંઘે પોતાની વિવિધ માગણીઓને લઈ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ૧૦ િદવસીય ખેડૂત આંદોલનનું રણશિંગુ ફૂક્યું છે.

સાથે જ મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ શાકભાજી અને દૂધનો પુરવઠો શહેરમાં મોકલવાનું બંધ કરી દીધું છે એટલું જ નહીં પંજાબમાં ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકી દીધી છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર, રતલામ, ઉજ્જૈન, ગ્વાલિયર જિલ્લામાં તકેદારીનાં પગલાં રૂપે કલમ-૧૪૪ કલમ લાગુ પાડવામાં આવી છે.

ફરીદકોટમાં ખેડૂતોના વિરોધ દેખાવો શરૂ થઈ ગયા છે. ખેડૂતો રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ કરી રહ્યા છે. મંદસૌરના ખેડૂતોએ વધેલા દૂધનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે ગામના લોકોને વહેંચવાનો નિર્ણય કર્યો છે. મંદસૌરમાં ખેડૂતોએ સ્થાનિક મંદિરને દૂધ આપવાનો નિર્ણય કર્યો છે. તેઓ ખેડૂત આંદોલન દરમિયાન ડેરીને દૂધ વહેંચશે નહીં. મંદસૌરના એસપીએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ સામાન્ય છે. મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત કરવામાં આવ્યાં છે.

મંદસૌરમાં ખેડૂતોએ દિલ્હી જતા દૂધનો પુરવઠો અટકાવ્યો હતો. ખેડૂત આંદોલન સાથે કામ લેવા માટે ૧૧ ઝોનના આઈજીને વધારાના દળો પૂરા પાડવામાં આવ્યા છે. રતલામમાં લાગુ પાડવામાં આવેલ કલમ-૧૪૪ ૩ ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ ટોલ પ્લાઝા પર પોલીસદળ તહેનાત કરવામાં આવ્યા છે.

મંદસૌરના ખેડૂતોનું કહેવું છે કે અમે આ આંદોલનમાં ગઈ સાલ જેવી હિંસા ઈચ્છતા નથી. અમે ઈચ્છતા નથી કે કોઈને નુકસાન થાય એવી ઘટના બને, અમે બંધ એલાન આપ્યું છે અને ઘરમાં રહીને તેને સમર્થન આપીશું. કિસાન મહાસંઘે એવો દાવો કર્યો છે કે દેશનાં લગભગ ૨૨ રાજ્યના ૧૩૦ સંગઠનોએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે.

જો એવું થશે તો તેનાથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો ઠપ થઈ જશે અને આવી ચીજવસ્તુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે. મહાસંઘનું કહેવું છે કે ૧ જૂનથી ૧૦ જૂન સુધી અનાજ, શાકભાજી અને દૂધ જેવી ચીજવસ્તુઓ ગામડામાંથી શહેરમાં મોકલવાનું બંધ કરવામાં આવશે.

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબના ખેડૂત સંગઠનોએ આંદોલનને સમર્થન આપ્યું છે. છત્તીસગઢ પ્રગતિશીલ કિસાન સંગઠન પણ બંધમાં જોડાશે. આ સંગઠને આ દાવો કર્યો છે કે તેમની સાથે ૩૫,૦૦૦ ખેડૂતો જોડાયેલા છે. આ સાથે જ અન્ય ખેડૂત સંગઠનો પણ બંધના એલાનને સમર્થન આપી રહ્યાં છે.

દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂતો નારાજ નથી, પરંતુ આ આંદોલન એ કોંગ્રેસની સાજિશ છે તેમણે જણાવ્યું હતું કે રતલામના ખેડૂતો આંદોલનમાં સામેલ નથી.

ખેડૂત સંગઠનોની ચાર માગણી
૧. પાકના ખર્ચની દોઢ ગણી નફાકારક કિંમત મળે.
૨. ખેડૂતોને દેવામુક્ત કરવામાં આવે.
૩. નાના ખેડૂતોની આવક નિર્ધારિત કરવામાં આવે.
૪. દૂધ, ફળ, શાકભાજીના ભાવને ટેકાના ભાવના દાયરામાં લાવીને દોઢ ગણા નફાકારક ભાવ નક્કી કરવામાં આવે.

You might also like