વાડીની ઓરડીમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયોઃ બૂટલેગરની ધરપકડ

અમદાવાદ: રાજકોટ નજીક આવેલા ખેરવા અને ઘિયાવડની સીમની વાડીઓમાં પોલીસે દરોડા પાડી ઓરડીમાં છૂપાવેલ વિદેશી દારૂના જંગી જથ્થા સાથે આશરે રૂ.૩૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ નજીક આવેલ ખેરવા ગામની અને ઘિયાવડ ગામની વાડીની ઓરડીઓમાં ‌વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવાયો હોવાની મળેલ બાતમીના આધારે પોલીસે ઉપરોકત બંને સ્થળોએ દરોડા પાડતા દારૂના ધંધાર્થીઓએ ભારે નાસભાગ કરી મૂકી હતી.

પોલીસે બંને સ્થળોએથી વિદેશી દારૂની બોટલો ભરેલા બોકસ કબજે કરી બૂટલેગર મહેશ કોળીને ઝડપી લીધો હતો. પરંતુ વિદેશી દારૂની હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધાર મોન્ટુ ઝાલા પોલીસને થાપ આપી નાસી છૂટ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક સ્કોર્પિયો ગાડી અને બે બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like