ATM કાર્ડ બ્લોક થઈ ગયું હોવાનું કહી મહિલાના રૂ.ર૦,૦૦૦ ઉપાડી લીધા

અમદાવાદ: ખાનપુર વિસ્તારમાં આવેલ કલ્યાણીવાડમાં રહેતી મહિલાને એટીએમ સેન્ટરમાં ગઠિયાે એટીએમકાર્ડ બ્લોક થઇ ગયું હોવાનું કહીને બે વખત રૂ.૧૦-૧૦ હજાર મળી કુલ રૂ.ર૦,૦૦૦ ઉપાડી ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

આ અંગેની માહિતી એવી છે કે કલ્યાણીવાડમાં રહેતાં ફરહાનબાનુ કલ્યાણી પ એપ્રિલના રોજ ખાનપુરમાં એસબીઆઇના એટીએમમાં પૈસા ઉપાડવા ગયાં હતાં. દરમિયાનમાં પૈસા ન ઉપડતાં એટીએમ સેન્ટર પર આવેલા અજાણ્યા શખ્સે ફરહાનબાનુને એટીએમકાર્ડ બ્લોક થઇ ગયું હોવાનું કહ્યું હતું. એટીએમમાં કાર્ડ નાખવાનો ખોટો દેખાવ કરીને ફરહાનબાનુની જાણ બહાર રૂ.૧૦,૦૦૦ ઉપાડી લીધા હતા.

બાજુના મશીનમાં કોશિશ કરો તેમ કહી તે બહાર જતો રહ્યો હતો. થોડી વાર બાદ તે પરત આવ્યો હતો અને બાજુના એટીએમમાં પૈસા ઉપાડવા માટે કાર્ડ સ્વેપ કર્યું હતું.

બીજા એટીએમમાં કાર્ડ સ્વેપ કર્યા બાદ તેણે ફરહાનબાનુને ‌પિનનંબર નાખવા કહ્યું હતું. ‌પિનનંબર નાખતાં કાર્ડ સિસ્ટમ ખરાબ થઇ ગઇ છે તેમ કહ્યું હતું. જેથી ફરહાનબાનુ ઘરે જતાં રહ્યાં હતાં. અજાણ્યા શખ્સે બીજી વખત તે રીતે રૂ.૧૦,૦૦૦ ઉપાડી લીધા હતા.

થોડીવાર બાદ ફરહાનબાનુના મોબાઇલ નંબર પર રૂ.ર૦,૦૦૦ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. શાહપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

You might also like