L G હોસ્પિટલને અઠવાડિયામાં સીસીટીવી કેમેરાથી કરાશે સજ્જ, તબીબોની માગ સ્વીકારાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલમાં રવિવારની રાતે પીડિયાટ્રિક વિભાગમાં એક મહિલા તબીબ સાથે બાળ દર્દીનાં સગાં સંબંધીઓએ અભદ્ર વર્તન કરતા વિફરેલા રેસિડેન્ટ ડોક્ટરોની વીજળિક હડતાળ તો ગઈ કાલે બપોરે સમેટાઈ ગઈ હતી પરંતુ આ હડતાળથી તંત્રના હોશકોશ ઊડી જતાં તબીબોની સલામતી માટે એક ‍અઠવાડિયામાં સમગ્ર હોસ્પિટલને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની દિશામાં ચક્ર ગતિમાન થઈ ચૂક્યાં છે.

એલ.જી. હોસ્પિટલમાં ૭૧ સિક્યોરિટી ગાર્ડ ધરાવતી નબળી સિક્યોરિટી એજન્સી સિવાય મેડિકલ સ્ટાફની સલામતી માટે કશું જ નથી. તંત્ર સાથેની વાટાઘાટો દરમિયાન તબીબોની સીસીટીવી સહિતની તમામ પાંચ માગણીનો ફટાફટ સ્વીકાર કરાયો છે.

મ્યુનિસિપલ હોસ્પિટલ વિભાગનો હવાલો સંભાળતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષિત ગોસાવી કહે છે, એલ.જી. હોસ્પિટલમાં એક અઠવાડિયામાં સીસીટીવી કેમેરા મૂકાશે. આ ઉપરાંત કમિશનર મૂકેશકુમારે એલ.જી. હોસ્પિટલમાં સ્પેશિયલ સિક્યોરિટી ગાર્ડસ (બાઉન્સર્સ) મૂકવાની ફાઈલને મંજૂરી આપી દીધી છે.

દર્દીની સાથે વધુમાં વધુ બે સગાં હાજર રહી શકે તેવો જૂનો નિયમ છે. આ નિયમનું કડકાઈથી પાલન કરાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે માગણીઓ સંતોષાઈ જવાથી તબીબો બુધવારથી પુનઃ હડતાળ પર ઊતરે તેવી શક્યતાનો અંત આવ્યો છે.

You might also like