જાણો કઇ રીતે ફિટ રહે છે અભિનેત્રી ક્રીતિ સેનન…

ક્રીતિ સેનનનું આકર્ષક ફિગર જોઇને કોઇ ન કહી શકે કે તે જે મનમાં આવે તે ખાય છે અને ડાયટિંગમાં તેને જરાય વિશ્વાસ નથી. દાલ મખની, પિઝા, પાસ્તાથી લઇ તેની મનપસંદ બધી ચીજોનો સ્વાદ ચાખનારી ક્રીતિનું કહેવું છે કે તે ખુદને ફિટ રાખવા માટે વધુ પડતું ખાવાનો ઇનકાર કરતી નથી, પરંતુ વર્કઆઉટને ક્યારેય મિસ કરતી નથી.

તેણે કહ્યું કે હું પંજાબી છું અને મને જાતજાતનું ભોજન પસંદ છે. મારો ફિટનેસ મંત્ર યોગ્ય રીતે ખાવાનું, ખૂબ પાણી પીવું અને નિયમિત વ્યાયામ કરવાનો છે. હું એક પ્રકારના રૂટિનથી બોર થઇ જાઉંં છું અને અલગ અલગ પ્રકારના વ્યાયામ કરવાનું પસંદ કરું છું અને તેમાં ઇનડોર અને આઉટડોર બંને સામેલ છે. તેનું માનવું છે કે એક્સર્સાઇઝ કરતાં તમે સહજતા અનુભવો તે જરૂરી છે.

એક્ટિંગમાં આવતાં પહેલાં મોડલ રહી ચૂકેલી ક્રીતિ કહે છે કે મોડલિંગે જ તેની એક્ટિંગની રાહ સરળ બનાવી. શરૂઆતમાં મારા માટે મોડલિંગ પર સંપૂર્ણ રીતે ફોકસ કરવાનું સરળ ન હતું, કેમ કે વર્ષમાં અમારી ૧૦ એક્ઝામ થતી હતી. તેથી હું દિલ્હીમાં રહીને ટીવી એડ્ કરતી.

આ દરમિયાન એક પછી એક મને ટીવી કોમર્શિયલ ઓફર થતી ગઇ, જેના માટે હું મુંબઇ આવતી હતી. આ દરમિયાન શૂટિંગની પ્રોસેસને હું એન્જોય કરવા લાગી. આવા સંજોગોમાં એક્ટિંગમાં મારો રસ વધી ગયો. આ પહેલાં મેં ક્યારેય એક્ટિંગ કરી ન હતી. સ્કૂલ-કોલેજમાં પણ હું એક્ટિંગના બદલે ડાન્સ કરતી, પરંતુ આખરે કિસ્મતે મને એક્ટર બનાવી દીધી.

સ્ટાર બન્યા બાદ પણ હું મારા મિત્રો માટે સહેજ પણ બદલાઇ નથી. મારા નજીકના મિત્રો મને એવી રીતે જ જુએ છે. કેટલાક દૂરના મિત્રોને આ બધું અજીબ લાગે છે. હું એટલું જ સમજું છું કે દરેક પ્રોફેશનની જેમ આ પ્રોફેશનને પણ ટ્રીટ કરવામાં આવે. •

You might also like