”મને આઝમ ખાંએ પદ્માવતના અલાઉદ્દીન ખિલજીની જેમ હેરાન કરી છે”

રાજ્યસભા સભ્ય અમર સિંહની નજીકની ગણાતી અભિનેત્રી જયાપ્રદાએ લાંબા સમય બાદ આજે આઝમ ખાં પર પોતાની ચુપ્પી તોડી છે. આઝમ ખાં નો ગઢ ગણાતા રામપુરમાં બે વાર લોકસભા સભ્ય રહી ચૂકેલ જયાપ્રદાએ સમાજવાદી પાર્ટીના ફાયરબ્રાંડ નેતા આઝમ ખાંની તુલના અલાઉદ્દીન ખિલજી સાથે કરી છે.

રામપુરના પૂર્વ સાંસદ અને સિને સ્ટાર જયાપ્રદાએ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાં પર ગંભીર આરોપ લગાવ્યો છે. જયાપ્રદાએ આઝમ ખાંની તુલના અલાઉદ્દીન ખિલજી સાથે કરી છે. જયાપ્રદાએ કહ્યું કે, ‘હું જ્યારે પદ્માવત ફિલ્મ જોઈ રહી હતી ત્યારે અલાઉદ્દીન ખિલજીને જોઈને મને આઝમ ખાંનો વિચાર આવ્યો હતો. હું રામપુરમાં ચૂંટણી લડી રહી હતી ત્યારે આઝમ ખાંએ મને ખિલજીની જેમ પરેશાન કરી હતી.’

ઉલ્લેખનીય છે કે ફિલ્મ પદ્માવતમાં ખિલજીનો રોલ રણવીર સિંહે કર્યો હતો. આ ફિલ્મમાં ખિલજીનો રોલ ખૂબ ક્રૂર બતાવવામાં આવ્યો છે, જે રાણી પદ્માવતીના રૂપ પાછળ પાગલ થઈ જાય છે અને તેને મેળવવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે.

જયાપ્રદાએ થોડા દિવસ પહેલા અખિલેશ યાદવ વિશે પણ કહ્યું હતું કે, ‘અખિલેશ યાદવ એક બગડી ગયેલ બાળક છે. તેમણે ભગવાન રામ પાસેથી શીખવું જોઈએ, જેમણે પિતાના વચન નિભાવવા માટે રાજપાઠનો ત્યાગ કર્યો હતો.’

You might also like