મુખ્ય સચિવ મુદ્દે કેજરીવાલ સહિત ધારાસભ્યોની પોલીસ પૂછપરછની સંભાવના

નવી દિલ્હી: દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની કથિત મારપીટના મામલે આજે દિલ્હી પોલીસ મુખ્યપ્રધાન કેજરીવાલ સહિત તે વખતે મિટિંગમાં હાજર રહેલા ધારાસભ્યની પૂછપરછ કરે તેવી સંભાવના છે. પોલીસને કેજરીવાલના નિવાસે લગાવાયેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગમાં કેટલીક ગરબડ જણાતાં આ કેસમાં પૂછપરછ કરવા નિર્ણય લેવાયો છે. કેજરીવાલના નિવાસે લગાવાયેલા ૨૧ સીસીટીવી કેમેરામાંથી સાત કેમેરામાં ગરબડ જણાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે સીસીટીવી ફૂટેજના ટાઈમિંગમાં અંતર છે. તેથી આ મામલે ગઈ કાલે પોલીસ કેજરીવાલના નિવાસે ગઈ હતી અને બે કલાક તપાસ કરી હતી, જેમાં પોલીસને ૨૧માંથી ૧૪ સીસીટીવી કેમેરામાંથી જ રેકોર્ડિંગ મળ્યું હતું.

આ દરમિયાન અમુક કેમેરામાં રેકોર્ડિંગના ટાઈમમાં ૪૦ મિનિટ જેટલું અંતર જોવા મળ્યું હતું. તેથી પોલીસે આ મામલે કેટલાક કર્મચારીઓની પૂછપરછ કરી હતી, જેમાં એક પીડબલ્યુડીના જેઈ અને બીજો સીસીટીવી કેમેરાનો ઓપરેટર છે. આ મામલે આજે આઈએએસ એસો., અધિકારી એસો. અને કેન્દ્રીય સચિવાલય સેવાના પ્રતિનિધિએ બપોરે ૧૨ વાગ્યે કેબિનેટ સેક્રેટરી પી. કે. સિન્હાની મુલાકાત લીધી હતી. અધિકારી કેબિનેટ સેક્રેટરી દ્વારા વડા પ્રધાન મોદી સુધી તેમની વાત પહોંચાડવા માગે છે.

‘આપ’નું આજથી આંદોલન
દરમિયાન આમ આદમી પાર્ટીએ મુખ્યપ્રધાનના નિવાસ પર દિલ્હીના મુખ્ય સચિવ સાથે થયેલા વર્તનના મામલે પોલીસની કાર્યવાહીને લઈ ગંભીર આક્ષેપ કર્યાે છે અને તેને લઈ આજથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં આપના કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લાની કચેરીએ પહોંચશે અને પોલીસની કાર્યવાહી સામે વિરોધ અને દેખાવો કરશે.
આમ આદમી પાર્ટીએ કરેલા આયોજન મુજબ આવતી કાલે દરેક જિલ્લા મથકે આ મામલે દેખાવો અને ગંુડાગીરીનો વિરોધ કરવામાં આવશે. આપના નેતા સંજયસિંહ અને આશુતોષે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી રહી છે.

You might also like