કાલુપુર રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં હવે ‘બોડી વોર્ન કેમેરા’ની વોચ

0 11

અમદાવાદ, શનિવાર
પેસેન્જરોની સુરક્ષા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) ટ્રેનમાં ૨૪ કલાક ફરજ બજાવે છે. ભારતીય રેલવેમાં સૌપ્રથમ વાર પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં રાજધાનીમાં ફરજ બજાવતી આરપીએફની એસ્કોર્ટ પાર્ટીને બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. શંકાસ્પદ લોકો પર નજર રાખવા, સુરક્ષામાં તપાસમાં મદદ મળી રહે અને ભ્રષ્ટાચાર તેમજ અત્યાચારના આરોપ વિરુદ્ધ પુરાવા મળી રહે એ માટે આરપીએફની એસ્કોર્ટ પાર્ટીને આઠ જેટલા બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે.

પ્રારંભિક તબક્કામાં અમદાવાદ-નવી દિલ્હી રાજધાની ટ્રેનમાં એસ્કોર્ટ પાર્ટી આ બોડી વોર્ન કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે. ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશન અને તમામ ટ્રેનોમાં ફરજ બજાવતા અારપીએફના જવાનોને ટૂંક સમયમાં અા બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ કરવામાં અાવશે.

જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને પોલીસ સાથે માથાકૂટમાં ઊતરો, તેમને લાંચની ઓફર કરો ત્યારે એક વખતે તેના શરીર પર બોડી કેમેરા લાગેલા છે કે નહીં એ ચેક ચોક્કસથી કરી લેજો. કારણ કે ટ્રેનમાં પેસેન્જરોની સુરક્ષા કરતી આરપીએફની ટીમના ખભા પર એક કેમેરા લગાવવામાં આવ્યો છે જેમાં તમામ લોકોની હિલચાલ કેદ થઇ રહી છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ફરજ બજાવતી આરપીએફની એસ્કોર્ટ પાર્ટીને આઠ જેટલા બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે. ટ્રેનમાં મોબાઈલ, બેગ, માલસામાનની ચોરીની અનેક ઘટનાઓ બનતી હોય છે. ટ્રેનમાં બુકિંગ કરાવી અને ચોરી કરતી ગેંગ પણ સક્રિય હોય છે. શંકાસ્પદ લોકો પર નજર રાખવા, સુરક્ષાતપાસમાં મદદ મળી રહે અને આરપીએફ તથા રેલવે પોલીસ પર ભ્રષ્ટાચાર તેમજ અત્યાચારના આરોપ વિરુદ્ધ પુરાવા મળી રહે એ માટે આરપીએફની એસ્કોર્ટ પાર્ટીને આ બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે.

અમદાવાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (અારપીએફ)ના સિનિયર ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર રાજમોહનના જણાવ્યા મુજબ પ્રારંભિક તબક્કામાં રાજધાની, ટ્રેનમાં આરપીએફની એસ્કોર્ટિંગ પાર્ટી આ કેમેરા સાથે પેટ્રોલિંગ કરશે. પોલીસ જવાનના ખભે લાગેલા આ કેમરા હાઈ ડેફિનેશન કવોલિટી ધરાવે છે. આ કેમેરા ૧૬ મેગા પિક્સલ, યુએસબી ચાર્જર, ડેટા ટ્રાન્સફર, ૩૨ GBની મેમરીની સેવ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત આ કેમેરા હાઇ-ક્વોલિટી ફોટોગ્રાફ્સ, સાઉન્ડ રેકોર્ડ તેમજ હાઇ ડેફિનેશન વીડિયો શૂટ કરવા સક્ષમ હશે.

આ કેમેરા લગાવવાનો ઉદ્દેશ સુરક્ષામાં પારદર્શિતા રહે. પોલીસની આંખથી ગુનેગારો બચીને ચોરી કરી શકે છે પરંતુ આ ત્રીજી આંખથી તેઓ બચી નહિ શકે. ગુનાખોરી રોકવા, પેસેન્જરોની સુરક્ષા, આરપીએફના અધિકારી-જવાનોના પેટ્રોલિંગ , પોલીસ પર લગતા ભ્રષ્ટાચારના આરોપો સામે સ્પષ્ટ પુરાવાઓ ઊભા કરવાનો અને મદદ મેળવવાનો છે. એટલું જ નહીં, આ નિર્ણય થકી આરપીએફને વધુ જવાબદાર અને સચેત બનાવી શકાશે એટલું જ નહીં, આરપીએફના જવાનો સાથે વ્યવહાર કરતી વખતે આવા કેમેરા લોકોને પણ વધુ સજાગ બનાવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં તો આ ડિવાઇસની અંદર જ તમામ રેકોર્ડિંગ થશે. ટૂંક સમયમાં તેને વાઈ ફાઈ કનેક્ટિવિટી કરી અને ઓનલાઈન દરેક મૂવમેન્ટને જોઈ શકાય તેવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે. હાલમાં તો આઠ જ કેમેરા આપવામાં આવ્યા છે પરંતુ ટૂંક સમયમાં વધુને વધુ એસ્કોર્ટ પાર્ટીને આ કેમેરા આપવામાં આવશે.
અનિરુદ્ધસિંહ મકવાણા

loading...

Leave A Reply

Your email address will not be published.