બેઈજ્જતી બદલ રૂપિયા ૧૪ કરોડના વળતરની જસ્ટિસ કર્ણનની માગણી

નવી દિલ્હી: કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ સી.એસ. કર્ણને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. કેહર અને અન્ય કેટલાક જજને પત્ર લખીને રૂ. ૧૪ કરોડના વળતરની માગણી કરી છે. જસ્ટીસ સી.એસ. કર્ણને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને જાહેરમાં તેમની બેઈજ્જતી કરવામાં આવી છે તેમના બદલામાં તેમને વળતર મળવું જોઈએ.

જસ્ટિસ સી.એસ. કર્ણને વડા પ્રધાનને લખેલા પત્રમાં કેટલાક નિવૃત્ત અને વર્તમાન જજ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને આ કારણસર તેમની સામે અદાલતની અવમાનનાનો કેસ ચાલી રહ્યો છે. અનેક વખત નોટિસ બજાવવા છતા પણ જસ્ટિસ સી.એસ. કર્ણન કોર્ટમાં હાજર થયા ન હતા. ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. તેઓ એવા પ્રથમ જજ છે કે જેમની વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હોય.
ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરનાં વડપણ હેઠળની સાત જજની બેન્ચે ૧૦ માર્ચના રોજ જસ્ટિસ સી.એસ. કર્ણન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને આ વોરંટમાં તેમને ૩૧મી માર્ચના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું છે કે નોટબંધીથી કરપ્શન ઓછું થયું છે, પરંતુ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને મદ્રાસ હાઈકોર્ટના વર્તમાન જજમાં બેરોકટોક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેમણે પત્રમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વર્તમાન તેમજ નિવૃત્ત ૨૦ જજનાં નામ લખ્યાં હતાં અને કોઈ એજન્સી દ્વારા તેની તપાસ કરવા માગણી કરી હતી.

જસ્ટિસ સી.એસ. કર્ણને સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પણ પત્ર લખીને એવો આક્ષેપ કર્યો હતો કે દલિત હોવાના કારણે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ હતું કે સુપ્રીમ કોર્ટની નોટિસ પરથી સ્પષ્ટ થાય છે કે સવર્ણ જ્ઞાતિના જજ કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે અને પોતાની અદાલતી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. જસ્ટિસ સી.એસ. કર્ણન ૨૦૧૧માં મદ્રાસ હાઈકોર્ટના જજ હતા.
http://sambhaavnews.com/

You might also like