JNU વિદ્યાર્થી યુનિયનના નેતા વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ યોગ્યઃ રિપોર્ટ

નવી દિલ્હી: જેઅેનયુ વિવાદ અંગે દિલ્હી પોલીસે જાહેર કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જેઅેનયુ સ્ટુડન્ટ યુનિયનના નેતા કન્હૈયા કુમારની ધરપકડ વિશ્વાસપાત્ર સૂત્રો તરફથી મળેલી માહિતી બાદ કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કન્હૈયા અને તેના સાથીઓનો વ્યવહાર દેશદ્રોહીઓ જેવો હતો. તેથી કન્હૈયા કુમાર સામે દેશદ્રોહના આરોપ યોગ્ય છે. આજે કન્હૈયાના પોલીસ રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે.

આ અંગે અેક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે કન્હૈયા વિરુદ્ધ પુરાવા મેળવ્યા હતા. આ પુરાવા ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સિ‌િનયર અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. આ બાબતે ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજિજુુઅે પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કન્હૈયા વિરુદ્ધ પૂરતા પુરાવા છે, તેથી આ પુરાવા જલદી રજૂ કરવામાં આવશે. કન્હૈયા સામે જો દેશદ્રોહનો આરોપ સાબિત થશે તો તેને આજીવન કેદ થઈ શકે છે. દિલ્હી પોલીસ કમિશનર બી.અેસ. બસ્સીઅે કન્હૈયાની ધરપકડને યોગ્ય ગણાવી છે, જોકે જેઅેનયુના કેટલાક પ્રોફેસરો તેની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગત ૯ ફ્રેબ્રુઆરીઅે કેટલાક વિદ્યાર્થીઓ જેઅેનયુની નજીક આવેલા અેક ઢાબા પર પહોંચી ગયા હતા અને ત્યાં અેબીવીપીના સમર્થકો પણ આવ્યા હતા. ત્યારબાદ બંને તરફથી સૂત્રોચ્ચાર થયા હતા. આ વખતે કન્હૈયા કુમાર પણ ત્યાં હાજર હતો. અેક અન્ય મીડિયા અહેવાલમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે કન્હૈયાઅે દેશ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા ન હતા. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસે ઉતાવળમાં કન્હૈયાની ધરપકડ કરી છે અને તેના પર આરોપ લગાવ્યા છે તેમજ જણાવવામાં આવ્યું છે કે ડાબેરી પાર્ટીઓના કટ્ટર સમર્થક ડેમોક્રેટિક સ્ટુડન્ટ યુનિયને સૂત્રોચ્ચાર કરવાનું કામ કર્યું હતું.

જ્યારે કન્હૈયા અેઆઈઅેસઅેફ સાથે સંબંધ ધરાવે છે. આ દરમિયાન જેઅેનયુ સેન્ટ્રલ લાઈબ્રેરીની વેબસાઈટ પણ હેક કરી લેવામાં આવી છે. જેને બ્લેક ડ્રેગન નામના ગ્રૂપે હેક કરી છે. હેકર્સે સાઈટ પર લખ્યું છે કે જેમ તમે જણાવ્યું કાશ્મીરની આઝાદી સુધી જંગ રહેશે. તમને લાગે છે કે જેઅેનયુ કેમ્પસમાં આવી હરકત કરીને તમને કાશ્મીર મળી જશે?

દરમિયાન જેઅેનયુ વિવાદ અંગે આઈબીઅે ગૃહપ્રધાન રાજનાથ સિંહને સોંપેલા અહેવાલમાં જણાવ્યું છે કે કન્હૈયાના ભાષણમાં દેશદ્રોહ જેવું કંઈ નથી. અહેવાલમાં જણાવ્યું છે કે દિલ્હી પોલીસ દ્વારા વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘના અધ્યક્ષ કન્હૈયા સામે દેશદ્રોહનો કેસ ચલાવવામાં ઉતાવળ કરવામાં આવી છે.

You might also like