જિયા ખાનની હત્યા થઈ નથીઃ CBI

નવી દિલ્હી: સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું હતું કે બોલિવૂડની અભિનેત્રી જિયા ખાનની હત્યા થઈ નથી, પરંતુ આ કેસ આપઘાતનો છે, જોકે જિયા ખાનની માતા રાબિયા ખાનનું કહેવું છે કે તેમની પુત્રીની હત્યા થઈ છે.

બીજી તરફ અધિક સોલિસિટર જનરલ અનિલ સિંહે જસ્ટિસ નરેશ પાટીલ અને જસ્ટિસ પ્રકાશ નાઈકની ખંડપીઠને જણાવ્યું કે સીબીઆઈ પાસે હાલ એવાં કોઈ કારણ નથી કે તે આરોપી સૂરજ પંચોલીને બચાવવાની કોશિશ કરી રહી છે. સીબીઆઈએ આ કેસમાં જણાવ્યું છે કે જિયા ખાને પંખા સાથે લટકી આત્મહત્યા કરી હતી. તેના રૂમમાં બીજી કોઈ વ્યકિત પ્રવેશી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

જિયાના ગળા પર નિશાન હોવાની વાત જણાવાઈ રહી છે તે તેના દુપટાના કારણે પણ થયાં હોઈ શકે, જોકે રાબિયા ખાન સીબીઆઈની તપાસ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી.

મુંબઈ હાઈકોર્ટે રાબિયા ખાનને જણાવ્યું છે કે તેઓ તેમની પુત્રીના મોતના મામલે પોલીસ અને સીબીઆઈની તપાસમાં રહી ગયેલી ક્ષતિઓ બહાર લાવે. રાબિયાએ જિયાના બોયફ્રેન્ડ રહેલા અભિનેતા સૂરજ પંચોલી સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાના બદલે હત્યાનો કેસ દાખલ કરવા માગણી કરી છે. આ સાથે રાબિયા પણ એવું ઈચ્છે છે કે તે આ કેસની તપાસ માટે સ્પેશિયલ તપાસ ટીમ (એસઆઈટી) બનાવવામાં આવે, કારણ સીબીઆઈ પણ મુંબઈ પોલીસની જેમ જ આ કેસને આપઘાતનો કેસ ગણાવી રહી છે. જસ્ટિસ નરેશ પાટીલની ખંડપીઠે સોમવારે આ કેસમાં રહેલી વિસંગતતાઓની યાદી તૈયાર કરી 23 ઓગસ્ટે અદાલત સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે.

You might also like