Jewelry Marketમાં કમુરતાંઃ સોનાના ભાવમાં ઘટાડો છતાં ખરીદીનો અભાવ

અમદાવાદ: આવતી કાલથી કમુરતાં શરૂ થઇ રહ્યા છે. સામાન્ય રીતે એક મહિના સુધી ચાલતા કમૂરતાના આ િદવસોમાં સોના-ચાંદી સહિત શુભ ખરીદીનો અભાવ જોવા મળતો હોય છે. જ્વેલરી બજારમાં પાછલાં બે-ત્રણ સપ્તાહથી મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવતી કાલથી શરૂ થતા કમુરતાંના પગલે બજારને વધુ માર પડે તેવી શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

સ્થાનિક બજારમાં સોનાના ભાવ ૨૮,૫૦૦ની નીચે ૨૮,૩૦૦ની સપાટીએ જોવા મળી રહ્યા છે. એ જ પ્રમાણે ચાંદીના ભાવ પણ ૪૧,૦૦૦ની સપાટીની આસપાસ નોંધાયા છે. પાછલા એક મહિને નોટબંધીને કારણે ભાવમાં ઉછાળો નોંધાયો હતો અને સોનાના ભાવ ૪૫,૦૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા. એક મહિનામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામે ૧૬,૫૦૦થી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ ૧૨,૭૦૦થી વધુનો ઘટાડો પ્રતિકિલોએ નોંધાયો છે.

બજારમાં નોટબંધી બાદ રોકડની ક્રાઇસિસ જોવા મળી રહી છે તથા કાળાં નાણાં થકી જોવા મળી રહેલી ખરીદી તદ્દન ઠપ જેવી થઇ ગઇ છે. આ સંજોગોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવાયો હોવા છતાં પણ બજારમાં નવી લેવાલીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ અંગે માણેકચોક ચોક્સી મહાજનના પૂર્વ પ્રેસિડેન્ટ હર્ષવર્ધન ચોક્સીના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ બજારમાં ઘરાકીમાં ઘટાડો નોંધાયો છે, જોકે લગ્નસરાની સાધારણ ખરીદી ક્યાંક નોંધાતી જોવા મળી હતી, પરંતુ આવતી કાલથી શરૂ થતા કમુરતાંના કારણે બજારમાં તેની વધુ અસર જોવાઇ શકે તેમ છે.
http://sambhaavnews.com/

You might also like