Ahmedabad: ઘાટલોડિયામાં દારૂના અડ્ડા પર જનતા રેડ, પોલીસે ત્રણની કરી અટકાયત

અમદાવાદના ઘાટલોડિયામાં સ્થાનિકો દ્વારા દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખુલ્લેઆમ દારૂના વેચાણ સામે પોલીસની નિક્રિયાના કારણે આ પગલું લેવું પડયું હતું. ઘાટલોડિયામાં આવેલા સંજયનગરના છાપરામાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠતા જનતા રેડ કરવામાં આવી હતી.

જનતા રેડ દરમિયાન બુટલેગરો અને સ્થાનિકો વચ્ચે રકઝક થતાં મારામારી પણ થઈ હતી. આ દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા. જ્યારે આ અડ્ડા બંધ કરાવવા માટે સ્થાનિકોનો મોટો કાફલો દેશી દારૂ સાથે ગત રાત્રીએ ઘાટલોડિયા પોલીસે સ્ટેશન પહોંચ્યો હતો.

જો કે ત્યારબાદ પોલીસે અને સ્થાનિકોએ સાથે મળીને સંજયનગરના છાપરામાં રેડ કરી હતી. જે દરમિયાન દારૂના વેચાણ સ્થળેથી ઘરમાં રહેલી ટાંકીમાંથી મોટી સંખ્યામાં દેશી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 3 જેટલાં લોકોની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અટાકયત કરેલા શખશો અગાઉ પણ પાસા હેઠળ જેલની સજા કાપી ચૂકયા છે.

You might also like