J&K: શોપિયામાં બોમ્બ‌ વિસ્ફોટઃ સગીરનું મોતઃ ચાર જખમી

શ્રીનગર: દ‌િક્ષણ કાશ્મીરના શોપિયા જિલ્લાના મમેન્દર ગામમાં એક રહેણાક સંકુલમાં થયેલ રહસ્યમય બોમ્બ વિસ્ફોટમાં એક સગીર છોકરાનું મોત થયું હતું અને ચાર અન્ય બાળકો ઘાયલ થયાં હતાં.

અહેવાલો અનુસાર મમેન્દર ગામમાં ખુરશીદ અહમદ શેખના નિવાસીય સંકુલમાં ગ્રેનેડ ફાટતાં ત્યાં રમી રહેલાં પાંચ બાળકો ઘાયલ થયાં હતાં, જે પૈકી એકનું મોત થયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલાં પાંચેય બાળકોને લોહીલુહાણ હાલતમાં જિલ્લા હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં ડોકટરે એક છોકરાને મૃત જાહેર કર્યો હતો. આ તમામ છોકરાઓની ઉંમર ૬થી ૮ વર્ષ વચ્ચેની છે.

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે મંગળવારે શરૂ થયેલી અથડામણ આજે ત્રીજા દિવસે પણ જારી છે. ઉત્તર-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કાંડી જંગલમાં ચાલી રહેલ અથડામણમાં આજે સવારે એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.

અથડામણ સ્થળેથી એક એકે-૪૭ રાઇફલ મળી આવી હતી. બુધવારે સાંજે સેના દ્વારા દેખાવકારો પર કરવામાં આવેલી કાર્યવાહીમાં એક સ્થાનિક યુવાનનું મોત થતાં ઇન્ટરનેટ-મોબાઇલ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી.

You might also like