Civil Hospital વાહનચોરોની ફેવરિટ પાંચ મહિનામાં ૨૫ વાહન ચોરાયાં

અમદાવાદ: જો તમે અસારવા સિવિલ હોસ્પિટલમાં જાઓ છો તો તમારું વાહન હવે સુરક્ષિત નથી કારણકે સિવિલ હોસ્પિટલમાંથી તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનામાં ૨૫ જેટલાં વાહનોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી વધુ ટુ વ્હીલર ચોરાયાં છે.

એકાએક વાહન ચોરીના બનાવો વધતાં શાહીબાગ પોલીસે ત્રણ પોલીસકર્મીઓને સિવિલ હોસ્પિટલમાં વાહન ચોરી અટકાવવા તહેનાત કર્યા છે. માત્ર સિવિલ હોસ્પિટલ જ નહીં પરંતુ અમદાવાદ શહેરમાંથી દરરોજ પાંચથી વધુ વાહનોની ચોરી થાય છે. વાહનચોરીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો હોવા છતાં શહેર પોલીસ વાહનચોરીને અટકાવવામાં નિષ્ફળ રહી છે.

શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં દરરોજના હજારો લોકો સારવાર માટે આવતા હોય છે. તેમના વાહનોનું પાર્કિંગ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવે છે. સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં આવતા લોકોનાં વાહનો હવે સુરક્ષિત નથી રહ્યાં કારણકે હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલાં વાહનોની ઉઠાંતરીની ઘટનાઓમાં વધારો થયો છે.

સિવિલ હોસ્પિટલમાં મહિનામાં પાંચ જેટલાં વાહનો ચોરાય છે. શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ સિવિલ હોસ્પિટલમાંથી જ વાહનોની ચોરી થતી હોવાથી શાહીબાગ પોલીસે વાહન ચોરી અટકાવવા માટે ત્રણ પોલીસકર્મીઓને સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી આપી છે. સિવિલ હોસ્પિટલમાં મોટાભાગે બી.જે મેડિકલ કોલેજ પાસેના પાર્કિંગ,પી.એમ રૂમની સામે અને ટ્રોમા સેન્ટરના સામેના ભાગેથી સૌથી વધુ વાહનોની ચોરી થાય છે.

ચોર ટોળકી માત્ર ટુ વ્હીલર જ નહિ રિક્ષાઓની પણ ચોરી કરે છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો અને સિક્યોરિટી કંપની જ પોલીસને ગાંઠતી નથી. અનેક વાર હોસ્પિટલના પાર્કિંગમાં નાઇટ વિઝન વાળા સીસીટીવી નખાવવાનું કહ્યું હોવા છતાં નાખ્યાંં નથી અને ગાર્ડ તો માત્ર પગાર લેવા જ આવતા હોય તેમ સિવિલમાં ફરતા રહેતા હોય છે. શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે પટેલે જણાવ્યું હતું કે વાહન ચોરી અટકાવવા સિવિલમાં પોલીસકર્મીઓ મુક્યા છે અને ચારથી પાંચ વાહનો રિકવર પણ કર્યા છે જેથી મહદ અંશે વાહનચોરી અટકી છે.

અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોરીના ૨૫૦૦થી ૩૦૦૦ બનાવો બને છે, તેમાંથી ૬૦ ટકા કિસ્સાઓ વાહન ચોરીના હોય છે. જેની સામે ડિટેક્શનનો આંકડો ખૂબ જ ઓછો જોવા મળે છે. ચોરાયેલાં વાહનોનો મોટાભાગે ઉપયોગ ગેરકાયદે પ્રવૃતિઓ માટે થતો હોય છે. જો કોઈ એક આરોપી ઝડપાય અને તેને ક્યાં ક્યાં વાહનચોરી કરી છે તે કબૂલે તો જ ડિટેક્શન થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વાહન ચેકિંગ કરવા આદેશ તો આપવામાં આવી રહ્યા છે પરંતુ વાહન ચેકિંગ દરમિયાન વાહન ચોરીનું છે કે નહીં એ જાણી શકાતું નથી કારણ કે શહેર પોલીસ ને આપવામાં આવેલી એકલવ્ય વિહિકલ એપ્લિકેશનમાં ચોરીનો ડેટા ૨૦૧૪ થી અપલોડ જ નથી કરવામાં આવી રહ્યો. જેથી વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કફોડી સ્થિતિમાં મુકાય છે.

જયારે પણ વાહન ચોરાય ત્યારે વાહન માલિક પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવવા જાય છે તો પોલીસ તેઓને કોઈ લઇ ગયું હશે, મળી જશે, ટોઇંગ વાળા લઇ ગયા હશે, આર.સી બુક – કાગળિયાં લઈને આવજો તેમ કહી બે ચાર દિવસ રાહ જોવા કહે છે. છેલ્લે અઠવાડિયા સુધી ધક્કા ખાધા બાદ પોલીસ ના છૂટકે તેઓની ફરિયાદ નોંધે છે. વર્ષ ૨૦૧૭માં શાહીબાગ વિસ્તારમાં વાહન ચોરીના બનેલા ૩૫ બનાવો પૈકી સિવિલ હોસ્પિટલમાંથી જ ૩૦ વાહન ચોરાયાં હતાં.

સામાન્ય રીતે શહેરમાંથી વાહન ચોરીની ઘટનામાં એક જ વાહનની ચોરી થતી હોવાનું જોવા મળે છે પરંતુ હવે તો એક સાથે બેથી ત્રણ વાહન ચોરી કરવાના બનાવો બની રહ્યા છે. થોડા દિવસ અગાઉ બોપલ શીલજ રોડ પર આવેલા એક ફ્લેટમાંથી ત્રણ જેટલાં બાઈકની ચોરી કરી ચોર ગેંગ ફરાર થઇ ગઈ હતી.

ચાંદખેડાના પાયસ આંગન ફ્લેટમાં પણ શનિવારે મોડી રાતે એક સાથે બે જેટલાં વાહનની ચોરી થઈ હોવાની ઘટના બની છે. ચોર ગેંગે ત્રણ વાહનોની ચોરીનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેઓ એક બાઈક ફ્લેટની બહાર જ મૂકી બે બાઈક ચોરી કરી ફરાર થઇ ગયા હતા. શહેરમાં સૌથી વધુ સોલા સિવિલ હોસ્પિટલ, અસારવા સિવિલ હોસ્પિટલ,વસ્ત્રાપુર લેક, આલ્ફાવન મોલની બહાર, ફ્લેટનાં પાર્કિંગમાંથી, મોટા મોલના બહારના ભાગેથી વાહનોની ચોરી
થાય છે.

You might also like