CM ભલે રૂપાણી બને પણ મારું સન્માન જળવાવું જોઈએ, હાઈકમાન્ડ કરશે વિચારણાઃ નીતિન પટેલ

રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલમાં પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. તેઓ પાર્ટીના વલણ સામે એટલા નારાજ છે કે, તેઓ ત્રણ દિવસથી કાર્યાલયમાં પણ હાજર રહ્યા નથી.

નીતિન પટેલ પોતાને ફાળવાયેલા ખાતાઓથી નારાજ છે અને તેની સામે જાણે તેમણે બંડ પોકાર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. એક તરફ ભાજપ પાર્ટી નીતિન પટેલને મનાવવાની કોશિશ કરી રહી છે અને બીજી તરફ પાટીદાર નેતાઓ પણ નીતિન પટેલના સમર્થનમાં ઉતરી રહ્યા છે.

હાર્દિક પટેલે પણ એવું કહી દીધું છે કે, જો નીતિન પટેલ 10 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં આવી જાય તો તેમને કોંગ્રેસમાં ઉંચુ પદ અપાવશે. કોંગ્રેસ પણ નીતિન પટેલને સમર્થન આપી રહી છે.

જો કે આ મામલે હવે નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું છે કે, ‘મેં મારી વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. મારી વાત પર હાઈકમાન્ડ પર વિચારણા કરી રહ્યું છે. CM ભલે વિજય રૂપાણી બને પણ મારું સન્માન જળવાવું જોઈએ.’

તેમણે મહેસાણા બંધ રાખવાના મુદ્દે પણ એવું કહ્યું કે, ‘આ અમારો આંતરિક વિવાદ છે. તેના માટે મહેસાણા બંધ ન રખાય. હું પક્ષ છોડવાનો નથી. મેં 40 વર્ષથી ભાજપ માટે મહેનત કરી છે, તેથી મારું સન્માન જળવાવું જોઈએ.’

ઉલ્લેખનીય છે કે ભાજપના કાર્યકરોએ નીતિન પટેલના સન્માનમાં અને પાર્ટીના વિરોધમાં મહેસાણા 1લી જાન્યુઆરીએ બંધ રાખવાની અપીલ કરી છે. SPG ગ્રુપના લાલજી પટેલે પણ મહેસાણા બંધ રાખવાની અપીલ કરી છે. જો કે નીતિન પટેલે તેનો વિરોધ કર્યો છે.

You might also like