ITના દરોડામાં આસારામનો પર્દાફાશઃ દર વર્ષે વ્યાજ પેટે કમાય છે ૩૦૦ કરોડ 

ઇંદોરઃ અાસારામ ભલે જોધપુર જેલમાં બંધ છે, પરંતુ તેમનો કરોડો રૂપિયાનો કાળો કારોબાર બજારમાં લોન તરીકે ચાલી રહ્યો છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાડવામાં અાવેલા દરોડામાં અા વાતનો પર્દાફાશ થયો છે. ઇંદોરમાં ૧૬ સ્થળે ચાલી રહેલી તપાસ પરથી જાણવા મળ્યું છે કે અાસારામના રૂપિયા લોન તરીકે રિયલ અેસ્ટેટ, શરાફથી લઈને અનેક ધંધાઅોમાં લાગેલા છે. 

અાસારામને દર વર્ષે લોન તરીકે ફરતાં અા નાણાં પર રૂપિયા ૩૦૦ કરોડનું વ્યાજ મળે છે. ઇંદોરમાં પાડવામાં અાવેલા દરોડામાં મોહન લુધિયાની અને અન્ય વેપારીઅો પાસેથી મળેલા દસ્તાવેજોમાં અા રકમ લોન તરીકે કેટલાયે લોકોને અાપી હોવાના પુરાવા મળ્યા છે. 

ઇન્કમટેક્સ દ્વારા પૂછપરછમાં કેટલાયે લોકોઅે કબૂલ્યું છે કે તેમને કરોડો રૂપિયા વાર્ષિક વ્યાજ તરીકે મળી રહ્યા છે. ચાર રિયલ અેસ્ટેટ બિલ્ડર મોહન લુધિયાની અાસારામ ટ્રસ્ટનું બધું કામકાજ સંભાળી રહ્યા છે. તેઅો ગુરુકુલ સ્કૂલમાં પણ ડાયરેક્ટર છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ત્યાં પણ લોન તરીકે કરોડો રૂપિયા અાપ્યા હોવાના પુરાવા મળ્યા છે. તપાસમાં શ્રીરામ બિલ્ડરને ત્યાંથી જમીનમાં રૂપિયા બે કરોડ દાટેલા હતા તે મળી અાવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની તપાસ હજુ જારી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર બે વર્ષ પૂર્વે અાસારામની ધરપકડ વખતે તેમના અાશ્રમમાંથી પોલીસને ૪૨ કોથળા ભરેલા દસ્તાવેજ મળી અાવ્યા હતા અા દસ્તાવેજમાં કોને કોને કેટલા રૂપિયા ધીરવા માટે અાપવામાં અાવ્યા છે તેની વિગતોનો ઉલ્લેખ હતો. અા સાથે જ સમગ્ર દેશમાં અાસારામની સંપત્તિઅોની જાણકારી હતી. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેની પણ તપાસ ચાલી રહી છે. અા જ રીતે થોડા વર્ષ પહેલા ઇંદોરના કેશવ નાચાનીને ત્યાંથી ઇન્કમટેક્સના દરોડા દરમિયાન ઘણા દસ્તાવેજ મળ્યા હતા જેમાં અા કાળા નાણાંના પુરાવા પણ હતા. જેના અાધારે સુરતની ટીમે દિલ્હી ઇન્કમટેક્સ વિભાગ સાથે મળીને દરોડાની યોજના તૈયાર કરી હતી. 

 

You might also like