EVM મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે જેઠમલાણીનો મુદ્દો ઉછાળાયો : સિસોદિયા

નવી દિલ્હી : દિલ્હીનાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુનાહિત માનહાની મુદ્દે વકીલ રામ જેઠમલાણીને ફી ચુકવવાનાં સરકારનાં નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે ઇવીએમ મશીન મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ કાર્યવાહી કરાઇ રહી છે. તેમણે જનતાની કમાણીમાંથી અંગત કેસ લડવા માટેનાણાની ફાળવણી મુદ્દે સરકારનો બચાવ કર્યો હતો.

સિસોદિયાએ કહ્યું કે ભાજપ ઇવીએમ મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારનાં ગતકડા કરી રહ્યું છે. આ કેસ ક્રિકેટમાં ભ્રષ્ટાચારનો છે. સરકારે તેના માટે તપાસ બેસાડી છે જેમાં ઘણા મોટા નામ બહાર આવી શકે છે. મુખ્યમંત્રી વિરુદ્ધ કેસમાં જે ખર્ચ આવશે તેની ચૂકવણી સરકાર કરશે કારણ કે આ કેજરીવાલનો કોઇ અંગત મુદ્દો નથી.

મીડિયામાં આવી રહેલા આરોપોનાં સમય પર સવાલ પેદા કરતા કહ્યું કે કેસ જેઠમલાણી છેલ્લા ડોઢ વર્ષથી લડી રહ્યા છે. પરંતુ જ્યારે ઇવીએમ મશીનોમાં ગડબડનો કેસ સામે આવ્યો તો સરકાર પાસે તેનો કોઇ જવાબ નથી. લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે. જેઠમલાણી પહેલા જ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે નાણા નહી ચુકવાય તો પણ તેઓ કેસ લડવા માટે તૈયાર છે.

You might also like