ISROએ બનાવી દેશી પરમાણુ ઘડિયાળ નેવિગેશન સેેટેલાઇટમાં ઉપયોગ થશે

નવી દિલ્હી: ઇસરોએ એક પરમાણુ ઘડિયાળ વિકસાવી છે. જેનો ઉપયોગ નેવિગેશન સેેટેલાઇટમાં કરી શકાય છે. જેથી સ્પષ્ટ લોકેશન ડેટા મળી શકે. હાલમાં ઇસરોએ પોતાના નેવિગેશન સેેટેલાઇટ માટે યુરોપિયન એરોસ્પેસ મેન્યુફેકચરર એસ્ટ્રિયમ પાસેથી પરમાણુ ઘડિયાળ ખરીદવી પડે છે.

અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેકટર તપન મિશ્રાએ જણાવ્યું કે SACએ સ્વદેશી એટેમિક કલોક બનાવી છે અને હાલમાં આ ઘડિયાળને પરીક્ષણ માટે રાખવામાં આવી છે. એક વખત તે ઘણા બધા પરીક્ષણ પાસ કરી લે તો આ દેશી પરમાણુ ઘડિયાળ નેવિગેશન સેેટેલાઇટમાં પણ પ્રાયોગિક ધોરણે ઉપયોગમાં લઇ શકાય છે. જેથી જાણી શકાય છે કે અંતરિક્ષમાં તે કયાં સુધી ટકે છે અને કેટલો સ્પષ્ટ ડેટા આપી શકે છે.

તપન મિશ્રાએ એમ પણ જણાવ્યું કે આ દેશી પરમાણુ ઘડિયાળના નિર્માણ સાથે ઇસરોએ પસંદગીના અંતરિક્ષ સંગઠનોમાં સામેલ થઇ ગયું છે. જેની પાસે અત્યંત જટિલ ટેકનિક છે, પરંતુ આ દેશી ઘડિયાળ અમારી ડિઝાઇન અને સ્પેસિફિકેશન અનુસાર બનાવાઇ છે. આ ઘડિયાળ પણ આયાત કરાતી ઘડિયાળોની જેમ જ કામ કરે છે. અમને આશા છે કે આ ઘડિયાળ પાંચ વર્ષથી વધુ કામ કરશે.

ભારતની રિજનલ નેવિગેશન સેેટેલાઇટ સિસ્ટમ હેઠળ લોન્ચ કરાયેલા તમામ સાત સેટેલાઇટમાં ત્રણ ત્રણ આયાત કરેલી રુબિડિયમ એટેમિક કલોક છે.  આ એટેમિક ઘડિયાળોના કામ પર તપન મિશ્રા કહે છે કે પહેલા લોન્ચ કરાયેલા સાતેય સેટેલાઇટમાં લાગેલી એટેમિક કલોકને સિંક્રનાઇઝ કરાઇ છે.

અલગ અલગ ઓરબીટમાં સેટેલાઇટમાં લાગેલી આ ઘડિયાળોની વચ્ચે સમય અંતર નેવિગેશન રિસિવર કે પૃથ્વી પર કોઇ વસ્તુની સ્પષ્ટ પોઝિશન બતાવવામાં મદદ કરશે. એ‌ટેમિક કલોક ઉપરાંત નેવીગેશન સેેટેલાઇટમાં ક્રિસ્ટલ કલોક પણ હોય છે, પરંતુ તે પરમાણુ ઘડિયાળોની જેમ સ્પષ્ટ જાણકારી આપતી નથી. આ કારણે જો કોઇ સેટેલાઇટની ત્રણ પરમાણુ ઘડિયાળ ખરાબ થઇ જાય તો નવી એટેમિક કલોક સાથે બેકઅપ સેટેલાઇટ લોન્ચ કરવો પડે છે.

You might also like