ISએ ઇરાકની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદ ફૂંકી મારી

બગદાદ: દુનિયાના ખોફનાક આતંકી સંગઠન આઇએસઆઇએસએ રમજાનના પવિત્ર મહિનામાં મોસુલની ઐતિહાસિક ભવ્ય અલ-નૂરી મસ્જિદને ફૂંકી મારી હતી. જોકે આઇએસએ આ મસ્જિદને નેસ્ત નાબૂદ કરવાનો આરોપ અમેરિકાના ફાઇટર વિમાન પર લગાવ્યો છે, પરંતુ અમેરિકાના અધિકારીઓએ તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

સિરિયાના મોસુલ સ્થિત આ મશહૂર અલ-નૂરી મસ્જિદ ખાતેથી આઇએસના વડા અબુ બકર અલ બગદાદીએ ૪ જુલાઇ ર૦૧૪ના રોજ ખિલાફતનું એલાન કર્યું હતું એટલે કે આ મસ્જિદમાં જ આતંકી સંગઠન આઇએસનો જન્મ થયો હતો અને એ જ મસ્જિદને આઇએસએ ફૂંકી મારી છે.

ઇરાકના વડા પ્રધાન હૈદર અલ-અબાદીએ જણાવ્યું હતું કે આઇએસનું આ કારનામું તેની હાર દર્શાવે છે. મસ્જિદના મિનારા સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ઇરાકના લશ્કરી કમાન્ડરોનુું કહેવું છે કે સુરક્ષા દળોથી ઘેરાયા બાદ આતંકીઓએ મસ્જિદને ફૂંકી મારી હતી. મોસુલ આઇએસનો ગઢ છે કે જ્યાં આતંકી સંગઠન અને સુરક્ષા દળો વચ્ચે જબરદસ્ત લડાઇ જોવા મળી છે. સંયુકત રાષ્ટ્રસંઘના જણાવ્યા પ્રમાણે બગદાદીએ પહેલી અને છેલ્લી વાર આ મસ્જિદમાં જાહેરમાં લોકોને સંબોધન કર્યું હતું. આઇએસમાં જોડાવા માટે ઇનકાર કરવા બદલ એક મહિના પહેલાં મસ્જિદના ઇમામની પણ હત્યા કરવામાં આવી હતી.

૧૧૭રમાં મોસુલ અને અલેપ્પોના તુર્ક શાસક નૂર-અલ-દીન મહમૂદ જાંગીએ આ મસ્જિદનુું નિર્માણ કરાવ્યું હતું. એટલા માટે આ મસ્જિદનું નામ તુર્ક શાસક અલ-નૂરીના નામ પર રાખવામાં આવ્યુું હતું. નૂર-અલ-દીન ક્રૂઝેડ (ખ્રિસ્તીઓ માટે જંગ)ની વિરુદ્ધ જેહાદ શરૂ કરવા અને મુસ્લિમોને સંગઠિત કરવા માટે જાણીતા છે. મોસુલનો કબજો લેવા આગળ વધી રહેલી ઇરાકી સેનાના કમાન્ડર મેજર જનરલ જોસેફ માર્ટીને જણાવ્યુું હતું કે તેમના સૈનિકો મસ્જિદથી પ૦ મીટર દૂર હતા ત્યારે આઇએસએ મસ્જિદ ફૂંકી મારવાનો ઐતિહાસિક અપરાધ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like