ISISનો સુરેન્દ્રનગરનાં જાણીતા ડો.મુકેશ શુક્લને ધમકીભર્યો પત્ર

અમદાવાદઃ ગુજરાતમાં ISIS તરફથી અવારનાવાર ધમકીભર્યા પત્રો મળતાં હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરના ડોક્ટરને ધમકીભર્યો પત્ર મળ્યો છે અને આ પત્ર ISIS તરફથી આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર રહેતા જાણીતા ડોકટર મુકેશ શુક્લને શંકાસ્પદ હાલતમાં ઘરના કમ્પાઉન્ડમાંથી ધમકીભર્યો પત્ર મળી આવ્યો છે. તેને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ પત્ર અરબી ભાષામાં મળી આવ્યો છે. જેથી મુકેશભાઇએ આ પત્ર ટ્રાન્સલેટ કરવા માટે તેના મિત્રને આપ્યો હતો. જેમાં બહાર આવ્યું હતું કે આ પત્ર જેહાદ સંગઠન દ્વારા લખવામાં આવ્યો છે. આ સાથે જ લખવામાં આવ્યુ હતું કે મુકેશ શુક્લએ સંશોધન કરેલી એઇડસ, મલેરિયા અને લીવર સહીતના રોગોની દવાની પેટન્ટ ફોર્મ્યુલા આપવામાં આવે અને જો તે ફોર્મ્યુલા નહીં આપવામાં આવે તો ગળુ દબાવીને હત્યા કરી નાખવાની ધમકી આપવામાં આવી છે.

જો કે આ સમગ્ર મામલે ડોક્ટરે સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસવડાને જાણ કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ ગંભીરતા દાખવવામાં આવી ન હોવાનો ડોક્ટરે આક્ષેપ કર્યો હતો. મહત્વનું છે કે મુકેશ શુક્લ અમેરિકા, યુરોપ સહીત વર્લ્ડ હેલ્થ, અમેરિકા સાયન્સ કમિટી જેવા અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે તેમજ અગાઉ પણ તેમનું ઇ-મેઇલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું ત્યારે ફરી એકવાર જેહાદ સંગઠન દ્વારા ધમકી ભર્યો પત્ર આપવામાં આવતા દેશ પર આંતકવાદી સંગઠનની નજર હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ મામલે પોલીસ અને સાયબર સેલ વિભાગ કેટલી ઝડપી અને શું કાર્યવાહી કરે છે તે તો હવે જોવું રહ્યું.

http://sambhaavnews.com/

You might also like