ISISમાં જોડાવા સુદાન પહોંચેલા ચેન્નાઈના યુવકની ધરપકડ કરાઈ

નવી દિલ્હી : ખતરનાક આતંકવાદી સંસ્થા આઈએસ તરફ ભારત સહિતના અનેક દેશના યુવાનોનું આકર્ષણ રહ્યું છે અને ભારતથી કેટલાક યુવકો જોડાવા ગયા હતાં. આવો જ એક કિસ્સો વધુ એક બહાર આવ્યો છે. એનઆઈએ દ્વારા ચેન્નાઈના ૨૩ વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવાન આઈએસમાં જોડાઈ જવા માટે સુદાન પહોંચી ગયો હતો.

સુદાનમાં આઈએસમાં જોડાઈને તે લિબિયામાં સરકી જવાનો હતો અને એનઆઈએ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી છે અને આ યુવકને પાછો ભારત ધકેલી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેતાના ઉલ્લેખ મુજબ અત્યાર સુધીમાં ૨૩ જેટલા ભારતીયો આઈએસની રેન્કમાં જોડાઈ ગયા છે અને આ બધા ઈરાક અને સીરિયાની બોર્ડર પાસે જ રહ્યા છે. આ પૈકીના છના મોત થઈ ગયા છે અને હવે ચેન્નાઈનો એક યુવક જોડાવા ગયો હતો તેની એનઆઈએ દ્વારા ધરપકડ થઈ છે.

અધિકારીઓએ એવી માહિતી આપી છે કે ચેન્નાઈમાંથી ગયેલા આ યુવકનું નામ મોહમ્મદ નાસીર પાકીર મોહમ્મદ છે અને તે કોમ્પ્યુટરનો એકસપર્ટ છે. ચાલુ વર્ષે મે મહિનામાં તે દુબઈમાં હતો ત્યારે આઈએસનો ભરતી કરનાર મેડ મુલ્લા નામનો શખસ તેના સંપર્કમાં આવ્યો હતો અને મેડ મુલ્લાએ તેને સુદાન પહોંચી જવાની સલાહ આપી હતી અને ત્યાંથી તેને લીબીયામાં આઈએસમાં જોડાવા કરવા મોકલી દેવાશે તેમ કહ્યું હતું પરંતુ સુદાનના સત્તાવાળાઓને આ વાતની ખબર પડી ગઈ હતી અને તેમણે આ યુવકને પાછો ભારત મોકલી દીધો હતો.

એનઆઈએના વડા શરદકુમારે એક અખબારને કહ્યું છે કે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યારે તેના વિશે કોઈ વિગતો જાહેર કરી શકાય તેમ નથી. નાસિરના પિતા દુબઈમાં એક કારના શો -રૂમમાં નોકરી કરે છે અને એટલા માટે નાસિર દુબઈ ગયો હતો અને મે માસમાં પાછો ફર્યો હતો.

You might also like