મોદી સરકારને ‘દલિત’ શબ્દનાે ઉપયોગ કરવા સામે વાંધો શો છે?

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયાને ખાસ કરીને ટીવી ન્યૂઝ ચેનલોને જણાવ્યું છે કે તેઓ દલિત શબ્દનો ઉપયોગ ન કરે. મંત્રાલયનું કહેવું છે કે અનુસૂચિત જાતિ એક સંવૈધાનિક શબ્દ છે અને તેથી દલિતના સ્થાને તેનો ઉપયોગ કરવામાં આવે.

મંત્રાલયના આ નિર્ણય સામે દેશભરના કેટલાય દલિત સંગઠનો અને બુદ્ધિજીવીઓ વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દલિત શબ્દનું રાજકીય મહત્ત્વ છે અને સાથે સાથે દલિત શબ્દ સાથે તેમની ઓળખ સંકળાયેલી છે.

ઇતિહાસની દૃષ્ટિએ જોઇએ તો દલિત શબ્દ ભારતીય ભાષાશાસ્ત્ર અને શબ્દકોશમાં પાછળથી આવેલો છે. દલિત શબ્દની ખાસિયત એ છે કે આ શબ્દ દલિતોએ સ્વયંને આપેલો છે. આ શબ્દ જુદી જુદી સ્થિતિમાં જુદા જુદા અર્થ અને અસર ઊભી કરે છે.

દલિત શબ્દની બીજી વિશિષ્ટતા એ છે કે તે જ્ઞાતિ અને જાતિ વ્યવસ્થામાં તેમની સ્થિતિ દર્શાવે છે. દલિત શબ્દમાં ગતિશીલતા જોવા મળે છે. એટલે કે દલિત હોવું એ એક આંદોલનાત્મક સ્થિતિ છે. જ્યારે અનુસૂચિત જાતિ એક વહીવટી શબ્દ છે.

જાણીતા લેખક સિદ્ધાર્થ રામુ જણાવે છે કે દલિત શબ્દ દલિતોની સમાનતાની ભાવના, સામૂહિકતાની ભાવના, અન્યાયના પ્રતિરોધની ચેતના, ક્રાંતિકારી ચિંતનનો પ્રતિક બની ચૂકયો છે. તે તેમની સામૂહિક અસ્મિતાને સામે લાવે છે.

૧૯૭રમાં નામદેવ ઘસાલ અને તેમના સાથીઓએ દલિત પેન્થર્સની રચના કરી હતી. દલિત પેન્થર્સ અને બસપાએ ર૦૦ વર્ષની એ દલિત મૂવમેન્ટની કડીને આગળ વધારવાનું કામ કર્યું છે. જે અંતર્ગત દલિતોએ અન્યાયને સહન કરવાને બદલે તેની સામે સંઘર્ષ કરવાનો માર્ગ અપનાવ્યો છે.

દલિત શબ્દનો ઉપયોગ કરવાના માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશ સામે ટીવી ચેનલોના વડાઓ વચ્ચે આ મુદ્દે સંમતિનો અભાવ છે. પ્રાઇવેટ ટેલિવિઝન ન્યૂઝ ચેનલોનું પ્રતિનિધિત્વ કરતા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસો‌સીએશન (એનબીએ)ના કેટલાક સભ્યો છેલ્લા કેટલાક દિવસોથી આ નિયમોનો વિરોધ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે ટૂંક સમયમાં એનબીએની બેઠક મળનાર છે. બ્રોડકાસ્ટર્સ એડિટર્સ એસો‌સીએશને પણ આ મુદ્દાને પોતાના સભ્યો સમક્ષ ઉઠાવ્યો છે અને ટૂંક સમયમાં તેના પર એક જવાબ તૈયાર કરવામાં આવશે. એનબીએના એક સભ્યએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે દલિત શબ્દનો ઉપયોગ લાંબા સમયથી મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવી રહ્યો છે.

રાજકીય નેતાઓ, શિક્ષકો અને દલિત નેતાઓ સ્વયં આ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ શબ્દ સામાજિક રીતે સ્વીકૃત શબ્દ છે અને તે શબ્દ અપમાનજનક નથી. આથી આ શબ્દનો ઉપયોગ શા માટે બંધ કરવો જોઇએ? તે અમારી સમજની બહાર છે.

આ અગાઉ પણ કેન્દ્ર સરકારે ૧પ માર્ચના રોજ કેન્દ્ર અને રાજ્યના તમામ વિભાગને એક સત્તાવાર કોમ્યુનિકેશનમાં દલિત શબ્દનો ઉપયોગ ટાળવા અને તેના સ્થાને અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

એનબીએના કેટલાય સભ્યોએ જણાવ્યું હતું કે કોર્ટે પણ આ પ્રકારનો કોઇ ઓર્ડર કે મેન્ડેેટ આપ્યો નહીં હોવા છતાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે આવી એડ્વાઇઝરી માત્ર ટીવી ચેનલોનેે જ કેમ જારી કરી છે અને પ્રિન્ટ અને ડિજિટલ પબ્લિકેશન્સને કેમ કંઇ કહેવામાં આવ્યું નથી? તે સમજાતું નથી અને તેના પરિણામે આ મામલે ગૂંચવાડો ઊભો થયો છે.

વાસ્તવમાં દલિત શબ્દનો અનુવાદ અનુસૂચિત જાતિ એવો થઇ શકે નહીં. માહિતી અને પ્રસારણ મંત્રાલયે દલિત શબ્દના સ્થાને અનુસૂચિત જાતિ શબ્દનો પ્રયોગ કરવા જે આદેશ કર્યો છે તે અવ્યવહારુ છે કારણ કે આ શબ્દ દલિતનો પર્યાયવાચી શબ્દ નથી. દલિત એક ચેતના છે, એક આંદોલન છે અને એક અભિયાન છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

12 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

12 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

13 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

13 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

13 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

13 hours ago