સાબરમતી જેલમાં 4G જામર કામ કરતા નથી કે ઠપ કરી દેવાય છે?

અમદાવાદ: રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત એવી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ સતત બની રહી છે છતાં જેલ તંત્ર કે ગૃહ વિભાગની આંખ નથી ઊઘડી રહી.

છેલ્લા એક મહિનામાં ચાર વખત સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટના બની છે. ગઈ કાલે પણ નવી જેલના સર્કલ યાર્ડ નંબર ૧૦માંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા એક મહિનાથી સતત મોબાઈલ ફોન મળી આવવાની ઘટના બનતા જેલ ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગઈ કાલે સ્પેશિયલ ઝડતી સ્ક્વોડના જેલર અને તેમની ટીમે નવી જેલના સર્કલ યાર્ડ નંબર ૧૦માં બાતમીના આધારે તપાસ કરતા દરવાજાની બહારના ભાગે તપાસ કરતાં ખુલ્લી જગ્યામાં જમીનમાં દાટેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

ફોંન મળી આવતા યાર્ડ નંબર ૧૦/૧ અને ૧૦/રરની વચ્ચે કોમન બાથરૂમના દરવાજાના ખાંચામાં તપાસ કરતા અન્ય એક મોબાઈલ પણ મળી આવ્યો હતો. બે મોબાઈલ મળી આવતા બેરેકમાં હાજર કાચા કામના કેદીઓની પૂછપરછ કરતા મોબાઈલ ફોનની કોઈ પણ આરોપીએ કબૂલાત કરી ન હતી.

જેથી જેલરે મોબાઈલ ફોન કબજે કરી રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં ફોર જી જામર હોવા છતાં મોબાઈલ મળે છે. એનો અર્થ એ થયો કે જામર કામ કરતા નથી અથવા તો કેદીઓ માટે ચોક્કસ સમયે ઠપ્પ કરી દેવામાં આવે છે.

You might also like