RCB-RPS: આજે ધોની-વિરાટની કેપ્ટનશિપનો ટેસ્ટ

બેંગલુરુ: બે રાષ્ટ્રીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટનશિપનો ટેસ્ટ આજે બપોરે ૪.૦૦ વાગ્યે બેંગલુરુમાં થવાનો છે. આ બંને કેપ્ટનનું લક્ષ્ય જીત મેળવવાનું છે. પોઈન્ટ-ટેબલમાં પાછલા ક્રમે રહેતી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (આરપીએસ)ની ટીમો વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે અહીં રમાનારી મેચ રાષ્ટ્રના બે કેપ્ટન માટે પ્રતિષ્ઠાનો સવાલ બની રહેશે.

પોતાની સાત મેચમાંથી પાંચ હારી ગયેલ વિરાટ કોહલીની આગેવાની હેઠળ ઝઝૂમી રહેલી બેંગલોરની ટીમ હાલ ચાર પોઈન્ટ સાથે છેક સાતમા ક્રમે છે અને મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં પુણેની ટીમ ગુરુવારે દિલ્હી ડેરડેવિલ્સ સામે તેના વિજયના પ્રતાપે ફક્ત એક ક્રમ ઊંંચે છઠ્ઠા સ્થાને છે. ભારતીય ક્રિકેટના બે સુપરસ્ટાર ધોની અને કોહલી માટે તેઓની ટીમના નબળા દેખાવના કારણે સ્પર્ધાનું આ નવમું વર્ષ બહુ ક‌િઠન બન્યું છે.

પુણેના કેપ્ટન ધોની અને તેના ખેલાડીઓ માટે દિલ્હીની ટીમ સામે મેળવેલો વિજય તેઓના આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. ફાફ ડુ પ્લેસી, કેવિન પીટરસન, સ્ટીવન સ્મિથ અને મિચેલ માર્શને થયેલી ઈજાથી તેઓ સ્પર્ધાની વચ્ચેથી સ્વદેશ પાછા ફરતા કેપ્ટન ધોનીની બધી વ્યૂહરચના ખોરવાઈ ગઈ છે, પણ ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા ટીમમાં જોડાઈ જવાથી ધોની થોડી રાહત અનુભવશે, જેણે સ્પર્ધામાં પોતાની પહેલી મેચમાં રમતા ૩૦ રન કર્યા હતા. પુણેની ટીમે હવે બાકીની બધી મેચ જીતવી જરૂરી રહે છે અને ધોની તથા તેના સાથી ખેલાડીએ તે માટે ભારે મહેનત કરવાની રહેશે. બેંગલોરની ટીમે પણ નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કરવાની પોતાની આશા જીવંત રાખવા તેની લગભગ બધી મેચ જીતવાની રહે છે.

બેંગલુરુની ટીમનો આધાર બેટ્સમેનો પર રહેશે, જેમાં ક્રિસ ગેલ, કેપ્ટન વિરાટ, એબી ડિવિલિયર્સ, લોકેશ રાહુલ અને શેન વોટસન સામેલ છે. આ ફોર્મેટના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં સામેલ ગેલ ટી-૨૦ વર્લ્ડકપ બાદથી સારું પ્રદર્શન કરી શક્યો નથી.

આ ઉપરાંત બેંગલુરુની સૌથી મોટી સમસ્યા તેઓની કંગાળ બોલિંગ છે. વોટસન અત્યાર સુધીમાં નવ અને યજુવેન્દ્ર ફક્ત પાંચ વિકેટ ઝડપી શક્યા છે, પરંતુ તેઓનો ઇકોનોમી રેટ ક્રમશઃ ૮.૬૦ અને ૮.૮૯ રહ્યો છે. ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડનને આજે અંતિમ ઈલેવનમાં સમાવાય તેવી શક્યતા છે.

You might also like