IPLમાં ધૂમ મચાવી રહેલા આ ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં વાપસી થશે ખરી?

મુંબઈઃ આઇપીએલની નવમી સિઝનમાં ઘણા એવા ભારતીય ખેલાડીઓ છે, જે રાષ્ટ્રીય ટીમનો હિસ્સો નથી, પરંતુ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આ ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી રાષ્ટ્રીય ટીમના દરવાજા ખટખટાવ્યા છે. પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે શું તેઓની ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ શકશે ખરી? શું આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓના સ્થાને આ ઇન-ફર્મ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળશે ખરું? આઇપીએલની નવમી સિઝનની
અડધાથી વધુ મેચ રમાઈ ચૂકી છે અને હવે  સવાલ ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે કે આઇપીએલમાં શાનદાર દેખાવ કરી રહેલા ખેલાડીઓને ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝના ટીમ ઇન્ડિયાના પ્રવાસ દરમિયાન તક મળશે ખરી? ટીમ ઇન્ડિયાના દરવાજા પર હાલમાં ઘણા એવા ખેલાડીઓ ઊભા છે, જેઓને પસંદગીકારોએ ભુલાવી દીધા હતા.

ગંભીરનો દાવો
આ લિસ્ટમાં ટોચના સ્થાને છે કેકેઆરનો કેપ્ટન ગૌતમ ગંભીર, તેણે આ સિઝનમાં ઓપનિંગ કરતાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આઇપીએલમાં તેના નામે ૧૦ મેચમાં ૪૯.૭૫ની સરેરાશથી ૩૯૮ રન છે, જેમાં ચાર અર્ધસદી સામેલ છે. આ દરમિયાન ગંભીરનો સ્ટ્રાઇક રેટ ૧૨૨.૪૬નો રહ્યો છે. ગંભીર ટીમ ઇન્ડિયા તરફથી અંતિમ મેચ ૨૦૧૪માં રમ્યો હતો.

રનમાં રોબિન
રોબિન ઉથપ્પા આ સિઝનમાં બદલાયેલો ખેલાડી નજરે પડી રહ્યો છે. રોબિન એ કરી રહ્યો છે, જેની આશા તેના યુવાનીના દિવસોમાં ક્રિકેટના જાણકારોએ રાખી હતી. તેના નામે ૧૦ મેચમાં ૩૨.૭૦ની સરેરાશથી ૩૨૭ રન છે, જેમાં ત્રણ અર્ધસદી સામેલ છે. રોબિને અંતિમ વાર ટીમ ઇન્ડિયાની જરસી જુલાઈ ૨૦૧૫માં પહેરી હતી, ત્યાર બાદ તેને ટીમ ઇન્ડિયામાં રમવાની કોઈ તક મળી નથી.

ફોર્મમાં દિનેશ
દિનેશ કાર્તિક આ સિઝનમાં ગુજરાત લાયન્સ માટે મિડલ ઓર્ડરમાં સફળ બેટ્સમેન સાબિત થઈ રહ્યો છે. કાર્તિકે અત્યાર સુધી રમેલી આઇપીએલની ૧૧ મેચમાં ૩૩.૨૫ની સરેરાશથી ૨૬૬ રન બનાવ્યા છે, જેમાં ત્રણ અર્ધસદી સામેલ છે. તેનો સ્ટ્રાઇક રેટ ૧૩૨.૩૩નો રહ્યો છે. વિકેટકીપર બેટ્સમેન કાર્તિક છેલ્લે માર્ચ ૨૦૧૪માં ટીમ ઇન્ડિયા તરફથી રમ્યો હતો.
ગંભીર જ્યાં ઓપનિંગમાં સારો વિકલ્પ બની શકે છે એવી જ રીતે કાર્તિક અને ઉથપ્પા વિકેટકીપિંગની સાથેસાથે બેટિંગ ઓર્ડરમાં કોઈ પણ નંબર પર ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આગામી મહિને ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની છે ત્યારે સિનિયર ખેલાડીઓને આરામ અપાય તેવી શક્યતા હોવાથી પસંદગીકારોએ આ ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખવું રહ્યું.

You might also like