BCCIની દાદાગીરીઃ ICCએ પોતાના FTPમાં IPLને આપ્યું સ્થાન

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને વૈશ્વિક સ્પર્ધાના રૂપમાં માન્યતા આપવી પડી છે અને પોતાના નવા ફ્યુચર ટૂર પ્રોગ્રામ (એફટીપી)માં આઇપીએલને સામેલ કરવાની ફરજ પડી છે. આને બીસીસીઆઇની દાદાગીરી જ કહી શકાય.

એફટીપીની આગામી સાઇકલ (૨૦૧૯થી ૨૦૨૩) એપ્રિલ અને મે મહિના દરમિયાન ફક્ત આઇપીએલ એકમાત્ર ઘરેલુ ટી-૨૦ લીગ યોજાશે, જેના કારણે બધી જ આંતરરાષ્ટ્રીય મેચ રોકાઈ જશે.

બીસીસીઆઇ દ્વારા આપવામાં આવેલી તારીખો અનુસાર અઆઇપીએલ દર વર્ષે માર્ચના અંતથી મેના અંત દરમિયાન રમાશે. પાંચ સિઝન દરમિયાન જો આંતરરાષ્ટ્રીય સિઝન આઇપીએલ સાથે ટકરાઈ શકે છે એમાં આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચેની દ્વિપક્ષી શ્રેણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ રેન્કિંગમાં ૧૩માં સ્થાને રહેલા નેધરલેન્ડ્સ સામે ત્રણ વન ડેની શ્રેણી રમી શકે છે.

પાછલાં દસ વર્ષ દરમિયાન આઇપીએલ બીસીસીઆઇ માટે વધુ ફાયદાકારક અને શક્તિશાળી ટૂર્નામેન્ટ સાબિત થઈ છે. આ ઉપરાંત દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની યજમાનીવાળી ટૂર્નામેન્ટ પણ સાબિત થઈ છે. જોકે આમાંથી ઘણા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને કારણે લીગ અધવચ્ચે પણ છોડવી પડે છે.

હવે આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં આઇપીએલનો પ્રભાવ વધ્યો છે. બીસીસીઆઇ અને આઇસીસીએ આ ટૂર્નામેન્ટને આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં વિશેષ વિન્ડોના રૂપમાં સ્થાન આપ્યું છે. આનો અર્થ એ થયો કે દુનિયાભરની અન્ય ઘરેલુ ટી-૨૦ ટૂર્નામેન્ટ માટે હવે આઇસીસીએ આવી જ કોઈ યોજના અંગે વિચાર કરવો પડશે.

૨૦૧૮ની આઇપીએલ તા. ૪ એપ્રિલથી શરૂ થશે અને તેની ફાઇનલ ૨૭ મેએ રમાશે. ત્યાર બાદ આગામી વર્ષ એટલે કે ૨૦૧૯થી ૨૦૨૩ની સિઝન માટે પણ આઇલીએલની તારીખો નક્કી કરી દેવામાં આવી છે. ૨૦૧૯માં આઇપીએલનું આયોજન તા. ૩ એપ્રિલથી ૨૬ મે દરમિયાન થશે.

૨૦૨૦માં આઇપીએલ તા. ૧ એપ્રિલથી ૩૧ મે સુધી ચાલશે. ૨૦૨૧માં આઇપીએલ ૩૧ માર્ચથી ૩૦ મે દરમિયાન રમાશે. ૨૦૨૨ની આઇપીએલનું આયોજન ૩૦ માર્ચથી ૨૯ મે દરમિયાન થશે. ૨૦૨૩માં આઇપીએલ ૨૯ એપ્રિલથી ૨૮ મે દરમિયાન આયોજિત થશે.

આઇસીસીએ ૨૦૧૯થી ૨૦૨૩ દરમિયાન યોજાનારી વૈશ્વિક સ્પર્ધાની તારીખો પણ નક્કી કરી લીધી છે. ૨૦૧૯ની આઇપીએલ પૂરી થયાના ચાર દિવસ બાદ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમાશે, જેની ફાઇનલ ૧૪ જુલાઈ યોજાશે. ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા ૨૪ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન ટી-૨૦ વર્લ્ડકપની યજમાની કરશે.

You might also like