SRH સામે દિલ્હીનો ‘કરો યા મરો’નો જંગ

રાયપુર: નરમ-ગરમ દેખાવના કારણે ‘કરો અથવા મરો’ સમાનની સ્થિતિમાં રહેતી દિલ્હી ડેરડેવિલ્સ (ડી.ડી.)ની ટીમે આઈપીએલમાં આજે અહીંના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાનારી ટી-૨૦ મેચ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોઈ પણ ભોગે જીતવાની રહે છે. દિલ્હીની ટીમ સમગ્ર સ્પર્ધા દરમિયાન સતત સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી છે અને બે ઉપરા ઉપરી પરાજય પછી તે આજની મેચમાં રમનાર છે. પોતાની ૧૨ મેચમાંથી જમા કરેલા ૧૨ પોઈન્ટ સાથે દિલ્હીની ટીમે વિશ્વાસપૂર્વક રમી રહેલી હૈદરાબાદ સામે જીતવું પડશે અને એક વધુ નિષ્ફળતા તેને સ્પર્ધાના પ્લે-ઓફ તબક્કા માટેની રેસમાંથી બાકાત કરી દેશે.

બીજી તરફ, હૈદરાબાદની ટીમે પ્લે-ઓફ તબક્કામાં પ્રવેશ મેળવી લીધો છે અને ૧૨ મેચમાંથી કુલ ૧૬ પોઈન્ટ સાથે તે ટોચના ક્રમે છે. પ્લે-ઓફ તબક્કામાં પોતાનો પ્રવેશ નક્કી કરી લેવા છતાં, હૈદરાબાદની ટીમ સ્પર્ધાના છેવટના તબક્કાની મેચોમાં પોતાનો પ્રભાવિત દેખાવ ચાલુ રાખવાનો પ્રયત્ન કરશે. પોતાની છેલ્લી મેચ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટસ સામે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી ૧૯ રનથી હારીથી દિલ્હીની ટીમની પ્લે-ઓફમાં પ્રવેશ કરવાની આશાને મોટા ધક્કો પહોંચ્યો હતો. દિલ્હીની બેટિંગ તે મેચમાં નિષ્ફળ ગઈ હતી અને ફક્ત કરુણ નાયર તથા ક્રિસ મોરીસ અનુક્રમે ૪૧ અને ૩૮ રનનો ઉપયોગી ફાળો આપી શકયા હતા.

ક્વિન્ટન ડી કોક દિલ્હીની ટીમનો સૌથી સતત સફળતા હાંસલ કરેલો બેટ્સમેન છે, પણ તેને ઉપલા ક્રમના અન્ય બેટ્સમેનો તરફથી યોગ્ય સાથ મળ્યો નથી. મયંક અગ્રવાલ, શ્રેયસ નાયર, કરુણ નાયર, સંજુ સેમસન, ઋષભ પંત અને પવન નેગી જેવા રાષ્ટ્રીય સર્કિટના ખેલાડીએ સતત સારું પ્રદર્શન કરી શક્યા નથી, જેથી દિલ્હીની બેટિંગને ઘણી અસર પહોંચી છે. સિનિયર ડુમિની પણ ટીમ માટે કાંઈ ખાસ કરી શક્યો નથી, જેના કારણે દિલ્હીની બેટિંગ સમસ્યામાં વધારો થયો છે.

હૈદરાબાદની ટીમનો દેખાવ આ વેળાની સ્પર્ધામાં સૌથી સતત સારો રહ્યો છે અને શરૂઆતની બે મેચમાં ઉપરા ઉપરી પરાજય સિવાય તે સતત બે મેચ ક્યારેય હારી નથી. હૈદરાબાદની બેટિંગનો મુખ્ય આધાર કેપ્ટન ડેવિડ વોર્નર અને તેના સાથી ઓપનર શિખર ધવન પર રહેલો છે. ઈજાની સારવાર પછી ફરી મેદાનમાં આવેલા યુવરાજસિંહે પણ અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે.

વોર્નર ટીમનું શાનદાર નેતૃત્વ કરી રહ્યો છે અને સ્પર્ધાની શરૂઆતમાં નરમ-ગરમ દેખાવ પછી ધવન પણ હવે સારું રમી રહ્યો છે. બોલિંગ વિભાગમાં પીઢ આશિષ નેહરા અને બંગલાદેશના ઝડપી ગોલંદાજ મુસ્તફિઝુર રહેમાનના ટોચના ફોર્મે હૈદરાબાદની ટીમનું કાર્ય સહેલું બનાવ્યું છે. જોકે, નેહરા ઈજાને લીધે સ્પર્ધાની બહાર થઈ ગયો છે. ભુવનેશ્ર્વર કુમાર અને બરિન્દર શરન પણ અવારનવાર સારો દેખાવ કરી રહ્યા છે.

You might also like