IPL-11: ઝઘડાખોર બેન સ્ટોક્સને રાજસ્થાને ૧૨.૫ કરોડમાં ખરીદ્યો

બેંગલુરુઃ આઇપીએલની ૧૧મી સિઝન માટે આજે બેંગલુરુમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં બેન સ્ટોક્સ સૌથી વધુ એટલે કે રૂ. ૧૨.૫ કરોડમાં વેચાયો છે. સ્ટોક્સને બે વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરેલી રહેલી રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઈઝીએ ખરીદ્યો છે.

આજે હરાજી શરૂ થયા બાદ શિખર ધવન તેની બેસ પ્રાઇસ બે કરોડની સામે ૫.૨ કરોડમાં વેચાનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. તેને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે દુનિયામાં ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વિસ્ફોટક કહેવાતા ક્રિસ ગેલને પ્રથમ રાઉન્ડ પૂરો થયો ત્યાં સુધીમાં કોઈ ખરીદાર મળ્યો નથી.

દિલ્હી ડેરડેવિલ્સે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રૂ. ૯ કરોડમાં ખરીદ્યો છે. આ ઉપરાંત દિલ્હીની ફ્રેંચાઈઝીને ઘણાં વર્ષો સુધી કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન રહેલા ગૌતમ ગંભીરને ૨.૮ કરોડમાં ખરીદ્યો છે.

ગત વખતે બેન સ્ટોક્સને જ્યારે પુણેએ ૧૪.૫ કરોડમાં ખરીદ્યો હતો, ત્યારે તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. એ વખતે પણ તેણે પોતાની કિંમત સાબિત કરી હતી અને તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર થયો હતો. જોકે ગત વખત કરતા આ વખતે સ્ટોક્સને ઓછી રકમ મળી છે, તેમાં છતાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘા ભાવે વેચાયેલો ખેલાડી બન્યો છે.

– વિન્ડીઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રેવોને ચેન્નઇની ટીમે ૬.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
– ગૌતમ ગંભીરને દિલ્હીની ટીમે ૨.૮ કરોડમાં ખરીદ્યો
– ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને દિલ્હીની ટીમે ૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
– બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકીબ હસનને સનરાઇઝર્સ હૈદરાબાદે બે કરોડમાં ખરીદી લીધો છે.
– ભારતીય સ્પીનર હરભજનસિંહ હવે ધોનીના નેતૃત્વવાળી ચેન્નઇની ટીમ તરફથી રમશે. ચેન્નઈએ ભજ્જીને બે કરોડમાં ખરીદ્યો છે.
– રાજસ્થાન રોયલ્સે રહાણેને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
– શિખર ધવનને સનરાઇઝ હૈદરાબાદે 5.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો
– કિરોન પોલાર્ડ માટે મુંબઇ ઇન્ડિયન્સે ૫.૪૦ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે.
– ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર આર. અશ્વિનને કિંગ્સ ઇલેવન પંજાબે ૭.૬૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
– ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ સ્ટાર્કને કોલકત્તા નાઇટ રાઇડર્સે બહુ ઊંચી કિંમત ૯.૪૦ કરોડ ખર્ચી પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
– દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડ્યુ પ્લેસિસને ચેન્નઇ સુપરકિંગ્સે ૧.૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

You might also like