IPL-9ઃ બેંગલુરુની ડ્રીમ રનઃ કાલે ખિતાબ જીતી શકશે?

બેંગલરુઃ આઇપીએલની નવમી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું ફાઇનલમાં પહોંચવું કોઈ સપનાથી ઓછું નથી. સિઝનની શરૂઆતમાં ટીમનું પ્રદર્શન ઉતાર-ચઢાવવાળું રહ્યું હતું, પરંતુ લગભગ અડધી સિઝન બાદ જાણે કે આ ટીમે હનુમાન કૂદકો માર્યો અને વિરાટ તેમજ ડિવિલિયર્સની બેટિંગે હરીફ ટીમને રીતસર ઘૂંટણિયે પાડી દીધી.

શરૂઆતમાં ધમાકેદાર અને વિસ્ફોટક બેટ્સમેનો હોવા છતાં આરસીબીની ટીમ હારતી રહી અને પોઇન્ટ ટેબલમાં તે નીચે સરકતી રહી. બોલર્સના પ્રદર્શન પર સવાલો ઊઠતા રહ્યા અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે ટીમનું ક્વોલિફાયરમાં પહોંચવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું. તમામ પરેશાનીઓ છતાં કેપ્ટન વિરાટ કોહલીએ હિંમત હારી નહીં અને એકલા હાથે ટીમને જીત અપાવતો ગયો. જોકે આમાં વિરાટને દક્ષિણ આફ્રિકાના તોફાની બેટ્સમેન ડિવિલિયર્સ અને કાંગારું ઓલરાઉન્ડર શેન વોટસનનો જોરદાર સાથ મળ્યો. વિરાટની આ કોશિશોનું જ પરિણામ છે કે બેંગલુરુ આવતી કાલે આઇપીએલની નવમી સિઝનની ફાઇનલમાં છે અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ખિતાબી જંગ લડશે.

વિરાટે ૧૫ મેચમાં ૮૩.૫૪ની સરેરાશથી ૯૧૯ રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને છ અર્ધસદી સામેલ છે. બીજા છેડેથી કોહલીને ડિવિલિયર્સનો પણ ભરપૂર સાથ મળ્યો છે. ડિવિલિયર્સે પણ એટલી જ મેચમાં ૫૬.૮૩ની સરેરાશથી ૬૮૨ રન બનાવ્યા છે. શેન વોટસન અને યજુવેન્દ્ર ચહલ જેવા બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. વોટસન અને ચહલે ૧૫ મેચમાં ૨૦-૨૦ વિકેટ પોતાના ખાતામાં જમા કરાવી દીધી છે.

આઇપીએલની ફાઇનલમાં બેંગલુરુ ત્રીજી વાર રમશે. આ પહેલાં ૨૦૦૯માં ડેક્કન ચાર્જર્સ અને ૨૦૧૧માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે આરસીબી હારી ચૂકી છે. એવામાં પોતાની કરિયરના ગોલ્ડન પિરિયડમાંથી પસાર થઈ રહેલા કોહલી ઉપર ફાઇનલમાં હારી જવાનું મહેણું ભાંગવાનું દબાણ જરૂર હશે.

જોકે સામે હૈદરાબાદની ટીમ પણ ડેવિડ વોર્નરના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ખુદ વોર્નર અન્ય ખેલાડીને પ્રેરણા આપતો હોય એમ શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને આ સિઝનમાં તે ૭૦૦થી વધુ રન ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત સનરાઇઝર્સનું બોલિંગ આક્રમણ બધી જ ટીમમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. આવતી કાલનો મુકાબલો પણ આરસીબીના બેટ્સમેનો અને સનરાઇઝર્સના બોલર્સ વચ્ચેનો બની રહેવાનો છે.

You might also like