Stock Market : ત્રણ દિવસમાં રોકાણકારોના રૂ. 3.62 લાખ કરોડ ડૂબ્યા

નવી દિલ્હી: આ સપ્તાહની શરૂઆતથી જ ત્રણ દિવસ સુધી શેરબજાર સતત રેડ ઝોનમાં જોવા મળ્યું છે. ગઇ કાલે પણ સેન્સેક્સ ૧૬૯.૪૫ પોઇન્ટ તૂટીને ૩૭,૧૨૨.૨૨ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૪૪.૫૫ પોઇન્ટ તૂટીને ૧૧,૨૩૪.૩૫ પર બંધ રહી હતી. આમ, આ ત્રણ દિવસમાં શેરબજારના રોકાણકારોના કુલ ૩.૬૨ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગઇ કાલે સેન્સેક્સ બે મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો.

રૂપિયામાં નબળાઇ અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ તેજ થવાના કારણે સોમવારથી અત્યાર સુધીમાં સેન્સેક્સ ૯૭૦ પોઇન્ટ જેટલો તૂટ્યો છે એટલે કે ૨.૫ ટકાનો કડાકો બોલાઇ ગયો છે.

આ કડાકાના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓની સંપત્તિ ૩.૬૨ લાખ કરોડ ઘટીને ૧.૫૨ લાખ કરોડ પર આવી ગઇ છે.

બજારના વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા અને ચીન વચ્ચેની ઉગ્ર ટ્રેડ વોર, ઓઇલના વધતા જતા ભાવ અને અમેરિકન ડોલરની તુલનાએ રૂપિયાના મૂલ્યમાં ઘટાડાના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૧૬ શેર તૂટી ગયા હતા, જ્યારે ૧૪ શેરના ભાવમાં વધારો જોવાયો હતો.

ઇન્ડસ ઇન્ડ બેન્ક, મારુતિ સુઝુકી ઇન્ડિયા, એચડીએફસી બેન્ક, યસ બેન્ક અને એચડીએફસીના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે કોલ ઇન્ડિયા, ઓએનજીસી, ટાટા સ્ટીલ, હીરો મોટર્સ જેવા શેરમાં ઉછાળો દેખાયો હતો. બીએસઇ પર ૧,૭૦૪ શેર તૂટી ગયા હતા, જ્યારે ૯૬૮ શેર ઉછાળા સાથે બંધ રહ્યા હતા. ૧૧૩ શેરના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી.

You might also like