ઇન્દોરમાં પીચ પર કાંડાના સ્પિનરને ટર્ન મળશે

ઇન્દોરઃ ચેન્નઈ અને કોલકાતા વન ડેમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો માટે પરેશાનીનું કારણ બનેલા ટીમ ઇન્ડિયાના કાંડાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ આવતી કાલે ઇન્દોરમાં રમાનારી ત્રીજી મેચમાં પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ગરબે રમાડી શકે છે, કારણ કે પીચ ક્યુરેટરના જણાવ્યા અનુસાર પીચ પર ફક્ત કાંડાના સ્પિનરને ટર્ન મળવાની શક્યતા છે. અહીંના પીચ ક્યુરેટર સમંદરસિંહ ચૌહાણે કહ્યું, ”આ બેટિંગ માટે અનુકૂળ પીચ હશે. હું એવું તો ના કહી શકું કે કેટલો સ્કોર બનશે, પરંતુ આ મોટા સ્કોરવાળી મેચ બની શકે છે. આ સાથે જ બોલર્સ માટે પણ આમાં ઘણી તક રહેશે.”

ચૌહાણે કહ્યું, ”પીચમાંથી ઓર્થોડોક્સ સ્પિનર્સને વધુ ટર્ન મળવાની શક્યતા નથી, પરંતુ કાંડાના સ્પિનર્સને જરૂર ટર્ન મળશે. ભારત માટે એ સારું છે કે તેની પાસે કાંડાના બે સ્પિનર છે. ટીમ મેનેજમેન્ટે બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ તેમને ટીમમાં સામેલ કર્યા હશે. જો તડકો નીકળે તો પછી ટોસ જીતીને બેટિંગ કરવો યોગ્ય રહેશે. રમત આગળ વધવાની સાથે સ્પિનર્સને ટર્ન મળવો શરૂ થઈ જશે.”

અહીંની પીચ તૈયાર કરવા માટે બ્લેક કોટન માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્થાનિક માટી પાણીને બહુ ઝડપથી શોષી લે છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાછલા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદની અસર વિકેટ પર ખાસ જોવા નહીં મળી.”

You might also like