અહો આશ્ચર્યમ્! મહિલા ક્રિકેટરોને BCCI સૌથી વધુ નાણાં ચૂકવે છે!

નવી દિલ્હીઃ BCCIએ વાર્ષિક કોન્ટ્રેક્ટમાં ફેરફાર દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડીઓની જે ફી નક્કી કરી છે તે દુનિયામાં સૌથી વધુ છે, એવું માનવું છે કે ક્રિકેટ ઇતિહાસકાર અને નિષ્ણાત સુનીલ યશ કાલરાનું. BCCIએ તાજેતરમાં ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટરો માટે ૨૦૧૭-૧૮ના કરારની જાહેરાત કરી. આ કરારમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તાજેતરમાં મળેલી લોકપ્રિયતા અને મીડિયાના તેમના પ્રત્યે વધેલા આકર્ષણની છાપ સ્પષ્ટ રીતે આ કરાર પર જોવા મળી રહી છે. ક્રિકેટ ચાહકો અને ટીકાકારોની નજરમાં પુરુષ અને મહિલા ક્રિકેટરને મળતી રકમમાં આસમાન-જમીનનો ફર્ક હોઈ શકે છે, પરંતુ કાલરાને લાગે છે કે આ ભારતીય મહિલા ક્રિકેટના એક સ્વર્ણિમ યુગની શરૂઆત છે.

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટરને કેટલી રકમ મળે છે?
કાલરાના જણાવ્યા અનુસાર મહિલા ક્રિકેટ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં શાનદાર પ્રદર્શન બાદ તેમને સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં સામેલ કરવી એક સારી શરૂઆત છે. આનાથી મહિલા ક્રિકેટનો ઢાંચો મજબૂત બનવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તર પર સારું પ્રદર્શન કરવા માટે તેમનું મનોબળ પણ વધારશે. કાલરાએ જણાવ્યું કે હાલ ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટરોને ૫૦ હજાર પાઉન્ડ (લગભગ ૪૫ લાખ રૂપિયા)ની ફી ચૂકવવામાં આવે છે. ઈંગ્લેન્ડના બોર્ડનો કરાર બે વર્ષ માટે હોય છે.

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પણ ભારતથી પાછળ
વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ગ્રેડ-એ મહિલા ક્રિકેટરોને ચૂકવાતી રકમમાં ૮૦.૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે તેમને ૪૦ હજાર ડોલરથી વધીને ૭૨,૦૭૬ ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ ૩૬ લાખ રૂપિયા) મળે છે, જ્યારે ભારતીય મહિલા ખેલાડીઓના કરારની રકમ ૭૬ હજાર ડોલર (લગભગ ૫૦ લાખ રૂપિયા) નક્કી કરાઈ છે.

પાક. મહિલા ક્રિકેટરની હાલત કેવી?
ન્યૂઝીલેન્ડની મહિલા ખેલાડીઓને ત્રણ વર્ષના કરાર પેટે ૩૪ હજાર ડોલર આપવામાં આવે છે, જે પહેલાં ૨૦ હજાર ડોલર હતા. વિન્ડીઝે ૧૨ હજાર ડોલરની રકમ વધારીને ૩૦ હજાર ડોલર કરી દીધી છે.

વિન્ડીઝ મહિલા ક્રિકેટમાં પહેલો એવો દેશ છે, જેણે મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે કરારની શરૂઆત કરી હતી. પાકિસ્તાનમાં પણ મહિલા ક્રિકેટરો માટે તાજેતરમાં જ કરારની શરૂઆત કરવામાં આવી છે. તેમને ફક્ત વર્ષના ૧૦ લાખ રૂપિયા મળે છે.

મહિલા ક્રિકેટ પર એક નજરઃ
કાલરાએ જણાવ્યું કે બ્રેમ્બલે અને હેમ્બલેટન વચ્ચે મહિલા ક્રિકેટની પ્રથમ મેચ ૧૭૪૫માં ઈંગ્લિશ કાઉન્ટી સરેમાં રમાઈ હતી. ભારતમાં મહિલા ક્રિકેટની શરૂઆતની કહાણી ઘણી દિલચસ્પ છે. ૨૦મી સદીમાં ઓસ્ટ્રેલિયાનાં સ્કૂલ ટીચર એને કેલવેએ ૧૯૧૩માં કેરળના કોટ્ટાયમની બાકર મેમોરિયલ સ્કૂલમાં મહિલા ક્રિકેટની રમતને ફરજિયાત બનાવી દીધી હતી. ત્યારથી મહિલા ક્રિકેટે એક લાંબી સફર ખેડી છે અને ભારતે સત્તાવાર રૂપથી મહિલાઓનાે પ્રથમ વર્લ્ડ કપ ૧૯૭૩માં આયોજિત કર્યો હતો, જ્યારે પુરુષોનો વર્લ્ડકપ તેના બે વર્ષ પછી યોજવામાં આવ્યો હતો.

મહિલાઓનો ટી-૨૦ વિશ્વકપ ૨૦૦૯માં શરૂ કરવામાં આવ્યો અને ત્યારથી ભારતીય મહિલાઓ બે વાર સેમિફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી છે, જ્યારે વનડે ક્રિકેટના ગત વર્ષે રમાયેલા વિશ્વકપમાં ભારતીય મહિલાઓએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

You might also like