પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદી પર બે વખત હુમલો થયો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની એક જેલમાં એક પાકિસ્તાની કેદીના હુમલામાં એક ભારતીય કેદી ઘાયલ થયો હતો. પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ‘ડોન’ની વેબસાઈટ અનુસાર પેશાવરની કેન્દ્રીય જેલમાં બંધ ભારતીય કેદી હામિદ નેહાલ અંસારીના વકીલે અદાલતને જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં તેમના અસીલ પર બે વખત હુમલા થયા છે. વકીલે એવું પણ જણાવ્યું છે કે એક જેલ અધિકારી દરરોજ અંસારીની મારપીટ કરે છે.

જોકે જેલ અધિક્ષક મસૂદ ઉર રહેમાને જણાવ્યું છે કે અંસારીને નજીવી ઈજાઓ થઈ હતી અને આ પ્રકારની ઘટનાઓ જેલમાં થતી રહે છે. અંસારી ત્રણ વર્ષની જેલની સજા કાપી રહ્યો છે અને તેને ફાંસીની સજા પામેલા અપરાધીઓ માટે બનાવેલી કોટડીમાં રાખવામાં આવ્યો છે. આ અંગે રહેમાને જણાવ્યું હતું કે ભારતીય કેદીઓને તેમની સુરક્ષાને ધ્યાનમાં લેતાં પાકિસ્તાની કેદીઓ સાથે સામાન્ય બેરેકમાં રાખી શકાય નહીં.

વકીલે જણાવ્યું હતું કે તેઓ પોતાના અસીલની સુરક્ષા ઈચ્છતા હતા, પરંતુ જેલ અધિકારીઓએ આ પ્રકારની કોઈ ગેરંટી આપવાનો ઈન્કાર કર્યો છે. હુમલા બાદ અધિકારીએ ખાતરી આપી હતી કે અંસારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવશે, પરંતુ તેમણે આવું કોઈ કાર્યવાહી કરી નથી. વકીલે એવો પણ આક્ષેપ કર્યો છે કે જેલના એક વોર્ડન અંસારીની રોજ મારપીટ કરે છે.

You might also like