IPLમાં પહેલી વાર આઠેય ટીમના કેપ્ટન ભારતીય જોવા મળશે?

નવી દિલ્હીઃ અત્યાર સુધી આઇપીએલની ૧૦ સિઝનમાં સૌથી વધુ ત્રણ વાર મુંબઈ ઇન્ડિયન્સે ખિતાબ પોતાના નામે કર્યો છે. ત્રણેય વાર ટીમની કેપ્ટનશિપ રોહિત શર્માએ જ સંભાળી. ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે આ ખિતાબ બે-બે વાર જીત્યો છે. બંને ટીમની કમાન ખિતાબી જીતમાં ક્રમશઃ એમ. એસ. ધોની અને ગૌતમ ગંભીર સંભાળી રહ્યા હતા.

આ ઉપરાંત અન્ય ત્રણ ટીમે એક-એક વાર આ ખિતાબ જીત્યો છે. સૌથી દિલચસ્પ વાત એ છે કે આ ત્રણેય ટીમે જ્યારે ખિતાબ જીત્યો ત્યારે તેની કેપ્ટનશિપ કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડી સંભાળી રહ્યો હતો. હવે આઇપીએલમાં એવું પહેલી વાર બનશે કે તમામ આઠેય ટીમના કેપ્ટન ભારતીય ખેલાડી હશે. બોલ ટેમ્પરિંગમાં સંડોવણી બાદ રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ સ્ટીવ સ્મિથે છોડી દીધી. ત્યાર બાદ ગઈ કાલે ઓસ્ટ્રેલિયાના વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરે પણ સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશિપ છોડી છે. તેના સ્થાને શિખર ધવનને હૈદરાબાદની ટીમનું નેતૃત્વ સોંપાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે આઇપીએલનો પ્રથમ ખિતાબ રાજસ્થાન રોયલ્સે જીત્યો હતો. એ સમયે ટીમનું નેતૃત્વ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્ન કરી રહ્યો હતો. બીજી સિઝનમાં એડમ ગિલક્રિસ્ટની કેપ્ટનશિપમાં ડેક્કન ચાર્જસે બાજી મારી હતી. વર્ષ ૨૦૧૬માં ડેવિડ વોર્નરે પોતાની કેપ્ટનશિપમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આઇપીએલની ટ્રોફી અપાવી હતી.

દક્ષિણ આફ્રિકામાં બનેલી બોલ ટેમ્પરિંગની ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથની કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી. ત્યાર બાદ આઇપીએલ ફ્રેંચાઇઝી રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ પણ ગુમાવવી પડી. ફ્રેંચાઇઝીએ જણાવ્યું કે સ્મિથે ખુદ રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો. હવે બે વર્ષના પ્રતિબંધ બાદ આ સિઝનમાં આઇપીએલમાં વાપસી કરી રહેલી રાજસ્થાન રોયલ્સ ટીમનું નેતૃત્વ ભારતીય ટેસ્ટ ટીમનાે વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે સંભાળવાનો છે.

રાજસ્થાન રોયલ્સના આ નિર્ણય બાદ બધાની નજર ડેવિડ વોર્નર પર ટકેલી હતી. વોર્નરના હાથમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનું નેતૃત્વ હતું. એ તો નક્કી જ હતું કે બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના વાઇસ કેપ્ટનપદેથી હટાવાયેલા વોર્નર પાસેથી પણ સનરાઇઝર્સની કેપ્ટનશિપ છીનવી લેવાશે. ફ્રેંચાઇઝી નહીં ઇચ્છે કે કોઈ ખરાબ છબિવાળો ખેલાડી તેની ટીમનું નેતૃત્વ સંભાળે. હવે વોર્નરના સ્થાને અનુભવી ઓપનર શિખર ધવન હૈદરાબાદ સનરાઇઝર્સ ટીમનું નેતૃત્વ સંભાળે તેવી શક્યતા છે. એવું પહેલી વાર બનશે કે આઇપીએલની બધી જ ટીમના કેપ્ટન તરીકે ભારતીય ખેલાડી જોવા મળશે.

આ ઓસ્ટ્રેલિયન ખેલાડી IPLમાં નેતૃત્વ કરી ચૂક્યા છે
એડમ ગિલક્રિસ્ટ, શેન વોર્ન, જ્યોર્જ બેઇલી, શેન વોટ્સન, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ડેવિડ હસી, કેમરુન વ્હાઇટ, એરોન ફિંચ, રિકી પોન્ટિંગ, જેમ્સ હોપ્સ, ગ્લેન મેક્સવેલ.

આ ખેલાડી IPLમાં નેતૃત્વ કરશે
વિરાટ કોહલી (RCB), એમ. એસ. ધોની (CKS), ગૌતમ ગંભીર (દિલ્હી ડેરડેવિલ્સ), રોહિત શર્મા (મુંબઈ ઇન્ડિયન્સ), આર. અશ્વિન (કિંગ્સ ઈલેવન પંજાબ), દિનેશ કાર્તિક (KKR), અજિંક્ય રહાણે (રાજસ્થાન રોયલ્સ), સનરાઇઝર્સ હૈદરાબાદ આજકાલમાં નવા કેપ્ટનની જાહેરાત કરશે.

You might also like