આજથી બીજી ટેસ્ટઃ ભારતીય બોલર્સનો નવો ‘બેટિંગ પ્લાન’

0 3

કેપટાઉનમાં ભારતનો ટોચનો બેટિંગક્રમ નિષ્ફળ રહ્યો હતો, ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે સેન્ચુરિયનમાં બોલર્સ પણ રન બનાવે સેન્ચુરિયનઃ ભારતનો પ્રથમ ટેસ્ટમાં ૭૨ રને પરાજય થયો હતો. ભારતના ટોચના ક્રમના બેટ્સમેનો બંને ઇનિંગ્સમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ભારત તરફથી સૌથી વધુ ૯૩ રન સાતમા ક્રમે બેટિંગમાં ઊતરેલા હાર્દિક પંડ્યાએ બનાવ્યા હતા.

નવમા નંબરે બેટિંગ કરવા આવેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમાર (૨૫ રન) ઇનિંગ્સનો સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. ભારતની બીજી ઇનિંગ્સમાં સૌથી વધુ રન આઠમા ક્રમે બેટિંગ ક્રમે બેટિંગ કરવા ગયેલા અશ્વિન (૩૭ રન)એ બનાવ્યા હતા. આ જોઈને ટીમ ઇન્ડિયાએ આજથી શરૂ થયેલી બીજી ટેસ્ટમાં હવે એક નવો પ્લાન બનાવ્યો છે.

સેન્ચુરિયનમાં પણ ઝડપી અને બાઉન્સી પીચ છે. ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે તેનો દરેક બોલર બેટિંગ દરમિયાન ૨૫-૩૦ રનનું યોગદાન આપે. જો આવું બનશે તો ટીમ ખરાબ પરિસ્થિતિમાં પણ સારો સ્કોર નોંધાવી શકશે. એ જ કારણ છે કે ગઈ કાલે ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં બેટ્સમેનોની પહેલાં બોલર્સે નેટ પર બેટિંગ પ્રેક્ટિસ કરી હતી.

પ્રેક્ટિસ સેશનમાં સૌથી પહેલાં ફાસ્ટ બોલર્સ જસપ્રીત બૂમરાહ, મોહંમદ શામી, ભુવનેશ્વરકુમાર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટિંગમાં હાથ સાફ કર્યા હતા. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે ચોથી ઇનિંગ્સમાં મોટી ભાગીદારી નોંધાઈ ન શકી, પરંતુ જો દરેક બેટ્સમેને ૨૫-૩૦ રન બનાવ્યા હોત તો ભારત હારથી બચી શક્યું હોત. હવે ટીમ ઇન્ડિયા આ જ રણનીતિ અપનાવી રહી છે.

સેન્ચુરિયનમાં રમેલી એકમાત્ર ટેસ્ટમાં ભારત હાર્યું છે
ભારત આ મેદાન પર એકમાત્ર ટેસ્ટ ૧૬થી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૦ દરમિયાન રમ્યું હતું, જેમાં ભારતનો ઇનિંગ્સ અને ૨૫ રનથી પરાજય થયો હતો. ત્યારે ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હતો. વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચીન તેંડુલકર, લક્ષ્મણ, ગંભીર અને સુરેશ રૈના જેવા દિગ્ગજ બેટ્સમેનો હોવા છતાં ભારતીય ટીમ પહેલી ઇનિંગ્સમાં માત્ર ૩૮.૪ ઓવરમાં ૧૩૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. સચીને સૌથી વધુ ૩૬ રન બનાવ્યા હતા.

ભારતે બીજી ઇનિંગ્સમાં સંઘર્ષ જરૂર કર્યો અને ૪૬૯ રન બનાવ્યા હતા. સચીન ૧૧૧ રન બનાવીને અણનમ રહ્યો હતો. ગંભીરે ૮૦, સેહવાગે ૬૩, દ્રવિડે ૪૩ અને ધોનીને ૯૦ રન બનાવ્યા. બીજી ઇનિંગ્સના સંઘર્ષ છતાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

loading...

Leave A Reply

Your email address will not be published.