RBIનાં પ્રતિબંધને નેવે મૂકી બેંગલુરુમાં ખુલ્યું ભારતનું પ્રથમ બિટકોઈન ATM

બેંગલુરુઃ એક બાજુ દુનિયાભરમાં ક્રિપ્ટો કરન્સીની કાયદેસરતાને લઇને અનિશ્ચિતતા છે અને બીજી બાજુ ભારતમાં બેન્કોનાં ક્રિપ્ટો કરન્સી બિઝનેસ પર RBIએ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આ તમામ બાબતો વચ્ચે યુનિકોન ટેક્નોલોજી પ્રા.લિમિટેડે બેંગલુરુમાં દેશનું પ્રથમ બિટકોઇન એટીએમ ખોલી નાખ્યું છે. આ બિટકોઇન એટીએમ બેંગલુરુનાં જૂના એરપોર્ટ પર લગાવવામાં આવ્યું છે. આ એટીએમ મશીન ટ્રેડિંગ અને એક્સચેન્જ પ્લેટફોર્મની જેમ કામ કરશે.

સૌ પહેલાં તે ગ્રાહકને વેરિફાઇ કરશે. આ એટીએમ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે. આ માટે સૌ પહેલાં ગ્રાહકે બેંગલુરુનાં જૂના એરપોર્ટની નજીક કેમ્પ ફોર્ટ મોલમાં આવેલ યુનિકોનની ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. યુનિકોન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રાહક આ એટીએમ દ્વારા તેની વેલ્યૂ અનુસાર ૧૦ બિટકોઇન સુધી ખરીદી અને વેચાણ કરી શકશે. તમામ ટ્રાન્ઝેક્શન રૂપિયામાં થશે.

ગ્રાહકે સૌ પહેલાં પોતાના મોબાઇલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. મોબાઇલ પર આવેલ પાસવર્ડ નાખવો પડશે. ત્યાર બાદ પાન નંબર, ફોન નંબર, એડ્રેસ, બેન્ક ડિટેઇલ સાથે પોતાનું વેરિફિકેશન કરાવવું પડશે અને પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા માટે ૧૨ નંબરવાળો ઓટીપી ફીડ કરવો પડશે. યુનિકોનનાં કસ્ટમર રિપ્રેઝન્ટેટિવે જણાવ્યું હતું કે નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે બિટકોઇન યુઝર્સ પોતાનાં જોખમ પર ક્રિપ્ટો કરન્સીમાં પૈસા લગાવી શકે છે.

તેમણે જણાવ્યું છે કે ક્રિપ્ટો કરન્સી ન તો કાનૂની રીતે કાયદેસર છે કે ગેરકાયદેસર છે. યુનિકોનનાં ફાઉન્ડર વિશ્વનાથનું કહેવું છે કે ક્રિપ્ટો કરન્સી પર નાણાં મંત્રાલય પર જારી નોટિસ અંગે કોઇ વાત કરતું નથી. તેથી ભારતમાં તેની કાયદેસરતા પર યથાસ્થિતિ છે.

You might also like