ભારત-આસિયાન સંબંધોનાં રપ વર્ષ પૂરાંઃ આજે શિખર સંમેલન

નવી દિલ્હી: આવતી કાલે દેશના પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતે પ્રથમ વખત ૧૦ આસિયાન દેશોના વડાઓને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા છે. આ ૧૦ દેશમાં કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, વિયેતનામ, બ્રુનેઇ અને લાઓસનો સમાવેશ થાય છે. પ્રથમવાર એવું બની રહ્યું છે કે ભારતે પ્રજાસત્તાક દિને અતિથિઓને આમંત્રણ આપવામાં વ્યકિતઓને બદલે સમગ્ર પ્રદેશને મહત્ત્વ આપ્યું છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત અને આસિયાન દેશોનાં રપ વર્ષ પૂરાં થઇ રહ્યાં છે અને વ્યૂહાત્મક સંબંધોના પાંચ વર્ષ પણ સંપન્ન થયાં છે. આ પ્રસંગે ભારત અને આસિયાન દેશોમાં આવેેલા દૂતાવાસોમાં વિવિધ પ્રોગ્રામ યોજાશે જેનો થીમ ‘શેર્ડ વેલ્યુઝ, શેર્ડ ટાર્ગેટ’ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે ભારત આસિયાન સ્મારક શિખર સંમેલનનું આજે આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ પ્રદેશમાં ચીનની આર્થિક અને લશ્કરી તાકાત વધી રહી છે એવા સમયે આ શિખર સંમેલનનું આયોજન મહત્ત્વનું બની રહેશે.

આ સંમેલનમાં અન્ય બાબતો ઉપરાંત આતંકવાદ વિરુદ્ધ જંગ, સુરક્ષા અને વેપાર ક્ષેત્રે સંબંધો સુદૃઢ કરવા પર ખાસ ચર્ચા થશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સંમેલન ભારત માટે આ દેશો સમક્ષ વેપાર અને સંપર્ક જેેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પોતાને એક શક્તિશાળી સહયોગી તરીકે પ્રોજેકટ કરવાની એક સારી તક પૂરી પાડશે.

આ દરમિયાન આસિયાન નેતાઓ વચ્ચે અેક ખાસ બેઠક યોજાશે કે જેમાં દરિયાઇ ક્ષેત્રમાં સહયોગ અનેે સુરક્ષાના મુદ્દે નિખાલસ ચર્ચાઓ થશે. આજે એક સંપૂર્ણ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત ‘એકટ ઇસ્ટ પોલિસી’નો સંદેશ આપશે. આ પોલિસીની પ્રક્રિયામાં ભારત બે મોરચે કામ કરી રહ્યું છે. તેનો પ્રથમ ઉદ્દેશ્ય દ‌િક્ષણ પૂર્વ એશિયાઇ દેશો સાથે સંપર્ક, દ્વિપક્ષીય વેપાર, તક અને ભાગીદારી વધારવાનો છે અને બીજો ઉદ્દેશ્ય પારસ્પારિક હિતો, પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ, આતંકવાદ અને માહિતી શેરિંગ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પારસ્પારિક સહયોગને નવી દિશા આપવાનો છે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન દેશોના વડાઓ સાથે અલગ અલગ દ્વિપક્ષીય બેઠકો યોજશે.

You might also like