IND vs SL: T20 માં ટીમ ઇન્ડિયાની 6 વિકેટે જીત, ફાઇનલનો રસ્તો થયો સરળ…

ટીમ ઇન્ડીયાએ શ્રીલંકાને નિદહાસ ટી-20 ત્રિકોણીય શ્રેણીની ચોથી મેચમાં 6 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે આ શ્રેણીમાં ભારતના 4 પોઇન્ટ થઇ ગયા છે અને તે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગમાં આવેલી શ્રીલંકાની ટીમે 19 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા.

ભારત સામે જીતવા માટે 153 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં ભારતની ટીમે 17.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 153 રન બનાવી લીધા હતા. આમ ભારતે આ મેચ 6 વિકેટથી પોતાના નામે કરી દીધી હતી. ભારત તરફથી મનીષ પાંડેએ સૌથી વધારે 42 રનનું યોગદાન આપ્યું હતું.

જ્યારે દિનેશ કાર્તિકે 39 રન કર્યા હતા. ભારત તરથી શાર્દુલ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતની ટીમે પ્રારંભિક 22 રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 11 અને શિખર ધવન 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા.

શાર્દુલ ઠાકુરે કરેલી શાનદાર બોલિંગને લઇને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 27 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આમ આ જીત સાથે ભારત 4 પોઇન્ટ સાથે પ્રથમ જ્યારે શ્રીલંકા 2 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે બાંગ્લાદેશ બીજા નંબરે છે.

You might also like